Charchapatra

સરળ ટ્રાફિક માટે સુધારા જરૂરી

સુરતના નવા પોલીસ કમિશનર  સુરતની પ્રજા પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે કામે વળગ્યા છે. પરંતુ એ બાબત સત્તાધારીઓએ પણ ઘણી જગ્યાએ સુધારા કરવા જરૂરી છે. જેમકે વેસ્ટ ઝોનમાં અડાજણ પાટીયા ખાતે બંને કોર્નર પર રીક્ષા અને ફ્રુટવાળા કોર્નર બ્લોક કરે છે તેથી આગળ પાલનપુર પાટિયા ગણેશ મંદિર પાસેનો સર્વિસ રોડ ખાણીપીણીની લારીઓવાળા મોડી રાત સુધી કબ્જા જમાવતા હોવાથી બ્લોક રહે છે. તો વળી પ્રાઈમ આર્કેડ ચાર રસ્તા તથા સુરભિ ડેરી ચાર રસ્તા ખાતે બહાર કરાયેલી ફૂટપાથને કારણે બોટલનેક પરિસ્થિતિ સર્જાય છે.

અહીં ડાબી તરફ ટર્ન લેવાવાળાને લાઈન ચાલુ હોવા છતાં ફરજીયાત મુખ્ય ટ્રાફિકમાં સમય બગાડી ઊભા રહેવું પડે છે. તો વળી નવયુગ કોલેજ તથા સરદાર પુલ સામે રેમન્ડ શો રૂમની આગળ પાછળ બંને તરફ રોંગ સાઈડ આવનારાઓનું ભારે જોખમ રહે છે. રોંગ સાઈડ ઘુસી અન્ય માટે જીવનું જોખમ ઊભું કરનારાઓને પકડીને દંડિત કરવા જરૂરી બને છે. વેસ્ટ ઝોનમાં કેટલીક જગ્યાએ 15/20 ફૂટની ફૂટપાથો બનાવી રસ્તા સાંકડા કરી દેવાયા છે. વળી આ મોટી કરાયેલી ફૂટપાથો ઉપર ખાણીપીણીવાળાઓ ટેબલ ખુરશી ગોઠવીને તેમજ દુકાનોવાળા પોતાનો સામાન ગોઠવી કબજો જમાવે છે. પગે ચાલનારે તો ફરજીયાત જીવના જોખમે રોડ ઉપર જ ચાલવું પડે છે. અહીં સુધારા કરવા જરૂરી છે.
સુરત     – જિતેન્દ્ર પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આતંકવાદ હજુ ખતમ થયો નથી
ભલે મોદી સરકાર જોરશોરથી બણગાં ફૂંકે કે અમે આતંકવાદ ઉપર કાબૂ મેળવ્યો છે, પરંતુ આ બધા પોકળ દાવાઓ સાબિત થાય છે. આતંકવાદને નાથવાનું કામ એ કાંઈ સહેલું નથી. દરરોજ અખબારનાં પાનાં ખોલતાં ક્યાંક ને ક્યાંક નક્સલી કે આતંકવાદી હુમલાના સમાચારો વાંચવા મળે છે. આતંકવાદીઓ આતંક ફેલાવીને ભારત દેશને ખોખલો કરવાની હીન અને જઘન્ય પ્રવૃત્તિ કરે છે.

આપણી સરહદો પણ માત્ર કાંટાળી વાડ બનાવીને કરવામાં આવી છે અને સરહદો પણ એટલી બધી લાંબી છે કે આતંકવાદીઓ કઈ જગાએથી ઘૂસ મારશે એ લશ્કરના જવાનો અને અધિકારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થાય છે. આતંકવાદીઓ તો માથે કફન બાંધીને અને મોતને મુઠ્ઠીમાં રાખીને ફરતાં હોય છે અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરે છે. તો બીજી તરફ એક જવાન તૈયાર કરવામાં સરકારને કેટલો બધો આર્થિક બોજો પડે છે. દર વર્ષે સરકાર દેશના સંરક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ નક્કી કરે છે.

જ્યારે આતંકવાદીઓ હુમલો કરે છે ત્યારે આપણા જવાનો શહીદ થાય છે અથવા બૂરી રીતે જખ્મી થઈને કાયમ માટે અપાહજ બની જાય છે. જવાનની શહીદીથી એનો ઘર પરિવાર બરબાદ થઈ જાય છે. સરકારી અને લશ્કરી અધિકારીઓ ચાર દિવસ સુધી સરકારી પ્રોટોકોલ નિભાવી એ શહીદને ભૂલી જાય છે. બીજું જેટલા પ્રમાણમાં જવાનો શહીદ થાય છે એટલા પ્રમાણમાં નવા જવાનોની ભરતી થતી નથી અને લશ્કરી તાલીમ પણ એટલી બધી આકરી અને કડક હોય છે કે આજનું યુવાધન લશ્કરી નોકરી મેળવવાનું ટાળે છે.
હાલોલ   – યોગેશભાઈ આર. જોશી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top