SURAT

ભાજપની નેતા દીપિકા પટેલના બેસણામાં કોર્પોરેટર ચિરાગ સોલંકી પહોંચ્યો ત્યારે શું થયું…

સુરતઃ ભાજપના મહિલા નેતા દીપિકા પટેલના આપઘાત કેસમાં પોલીસ હજુ કુલડીમાં ગોળ ભાંગી રહી હોય તેવું ચિત્ર ઉભું થયું છે. આ કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. પોલીસે બે વખત ચિરાગનું સ્ટેટમેન્ટ લીધું છે. આ દરમિયાન દીપિકાના આપઘાતને પાંચ દિવસ વીતી ગયા છે તેમ છતાં આજદીન સુધી પોલીસ આપઘાતનું સાચું કારણ જાણી શકી નથી ત્યારે આજે દીપિકા પટેલનું બેસણું યોજાયું હતું, જેમાં ચિરાગ સોલંકી પહોંચ્યો હતો.

અલથાણના ભીમરાડ ગામ ખાતે વોર્ડ નં. 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલના આપઘાત બાદ આજે ગુરુવારે તેમનું બેસણું યોજાયું હતું. જેમાં સૌ કોઈની નજર શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી પર હતી. બેસણું શરૂ થયાના બે કલાક બાદ ચિરાગ સોલંકી બેસણામાં આવ્યો હતો. બેસણામાં હાજરી આપ્યા બાદ માત્ર બે જ મિનિટમાં તે પરત જતો રહ્યો હતો.

ચિરાગ સોલંકીને બેસણા સ્થળ પર જ મીડિયાએ પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે પોલીસ તપાસ કરી રહી છે એટલું કહી ચિરાગ સોલંકી જતા રહ્યાં હતાં.

ચિરાગ સોલંકી સામે શંકા કેમ?
ભાજપના વોર્ડ નં. 30ની મહિલા પ્રમુખ દીપિકા પટેલે ગઈ 1 ડિસેમ્બરને રવિવારના રોજ પોતાના અલથાણ ખાતેના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં છેલ્લીવાર દીપિકા પટેલે કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે ફોન પર વાત કરી હતી. સૌથી પહેલાં દીપિકાની ડેડબોડી ચિરાગે જોઈ હતી.

દીપિકાના પરિવારજનોની ગેરહાજરીમાં ચિરાગે ડેડબોડી ઉતારી હતી. ઘટનાના સમયે વખતે દીપિકાના ઘરે પહોંચેલો ચિરાગ સોલંકી સર્જિકલ ગ્લોવઝ પહેર્યા હતા, જે દીપિકાના ઘરની બહારના સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થયું છે. ચિરાગ પોતે દીપિકા સાથે દિવસોમાં 15થી વધુ વખત ફોન પર વાત કરતો હતો. આ બધી બાબતોના લીધે ચિરાગ શંકાના દાયરામાં છે.

Most Popular

To Top