Charchapatra

કોર્પોરેશનના બજેટ

સુરત મ્યુ. કોર્પોરેશનના બજેટમાં જંગી વેરાની દરખાસ્ત મુકાઈ છે. વેરાવધારો જનતાને સુખાકારી અને સગવડો આપવા માટે કરાતો હોય છે પરંતુ અહીં સુરતમાં એવું નથી. મ્યુ. કોર્પોરેશનના અણઘડ કારભારને લીધે ડ્રેનેજ અને પાણી માટે ટૂંકા સમયના અંતરે એકના એક રસ્તાઓ વારંવાર ખોદાય છે, ખોદાયા પછી પુરાતા નથી અને જનતાની ગતિઓનો ઉપયોગ કરવા જણાવાય છે! અત્યારે કીટ વિસ્તારમાં 90 ટકા વિસ્તારોમાં ખોદકામ ચાલુ છે એ હિસાબે તાપી પારના રહેવાસીઓ ભાગ્યશાળી કહેવાય કે એમને આવી કોઇ તકલીફો પડતી નથી! ચોકમાં મેટ્રોનું કામ ગોકળગાય ગતિથી ચાલે છે, રામભરોસે હોટેલની પાસે સ્ટેશન તરફ જવાની દિશામાં રિક્ષાવાળાઓ અડીંગો જમાવી ઊભા રહે છે એટલે બંને દિશાનો ટ્રાફિક અફરાતફરીનો હોય છે. ટ્રાફિક નિયમન માટે એકલ-દોકલ દેખાતા પોલીસ દાદા મોબાઈલમાં વ્યસ્ત હોય છે! ટૂંકમાં હાલ તો કોટ વિસ્તારમાં સુવિધાને નામે મીંડુ છે ત્યારે પ્રથમ મનપા સુવિધાઓ પૂરી પાડે, ખોદકામ માટે યોગ્ય ‘પ્લાનીંગ’ કરે પછી વેરા વધારે એ જરૂરી છે.
સુરત     -ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

થોડીક ક્ષણ
કાળનું એક પરિમાણ, વખતનું એક માપ, સેકંડના ૪/૫ ભાગનો પળથી પણ વધુ એક ટૂંકો સમય એટલે ક્ષણ. છેક જૂજ સમય જેનો એક અવસર, તક તરીકે ઉપયોગમાં લઈ શકાય અથવા ફુરસદ-નવરાશ-નિરાંત માણી શકો. ભાવિ જીવન નક્કી થવાનું હોય ત્યારે ક્ષણેક્ષણનો ઉપયોગ કરવો જોઈએ.કટોકટીનો સમય હોય ત્યારે ક્ષણને સાચવી લેવાથી જીવનની દિશા બદલાઈ જાય. ક્ષણને સાચવી લેનાર અન્યોથી આગળ નીકળી જાય છે. સૌએ ક્ષણને જીવનમાં પૂરવાની તરકીબ શોધી કાઢવાની છે. સમયની ક્ષણેક્ષણને સાચવી પ્રગતિ સાધી શકાય.ગયેલી ક્ષણ પાછી આવતી નથી.

 કેટલીક વાર માત્ર એક ક્ષણ લાગે છે અને લાજવાબ પરિણામ મળી શકે છે. કોઈએ સરસ વાત કહી છે. ઉત્સાહનો એક શબ્દ કહેતાં માત્ર એક ક્ષણ લાગે છે. ઝરતા આંસુને લૂછવા માટે,મદદ માટે હાથ લાંબાવતા, સમજવાનો પ્રયત્ન કરવા, મિત્રો મેળવતા અને જાળવતાં, કોઈ ભાંગેલા હૈયાને સાંધતાં, કોઈનો દિવસ ઉજાળતાં માત્ર એક ક્ષણ લાગે છે. તો પછી આ જ ક્ષણને જડી દ્યો… તે સરકી જાય તે પહેલાં. ક્ષણનું મહત્ત્વ સમજીને જીવનની રાહ કંડારીએ તોય ઘણું!
નવસારી –  કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top