સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બજેટની સામાન્ય સભામાં ટેક્સટાઇલ માર્કેટની લીઝ રિન્યુ કરવાનો ઠરાવ રદ કરવા પાણી મીટરનાં બિલ રદ કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના (AAP) નગર સેવકોએ ધમાચકડી મચાવ્યા બાદ પોલીસ સાથે પણ ઝપાઝપી થઇ હતી. અને આમ આદમી પાર્ટીના નગર સેવકો સામે ગુનો પણ દાખલ થયો છે. ત્યારે આ ઘટના બાદ સિક્યુરિટી વ્યવસ્થામાં તદ્દન નિષ્ફળ રહેલા મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકને મનપા કમિશનરે આડે હાથ લીધા હોવાથી હવે બેબાકળા બની ગયેલા ચીફ સિક્યુરિટી ઓફિસરે (Chief Security Officer) મનફાવતાં પગલાં ભરીને મનપા કમિશનર અને ભાજપ શાસકો બેકફૂટ પર મુકાય તેવી હરકતો કરવા માંડી છે.
- સ્થાયીની મીટિંગ હોવાથી સવારથી જ પોલીસ તૈનાત કરી, પૂર્વ નગરસેવક પર પણ પ્રતિબંધ
- સતત બીજા દિવસે ચીફ સિક્યુરિટી ઓફિસરે ‘પૂર્વ નગરસેવક’ની ગરીમાનાં ચીંથરાં ઉડાવ્યાં, વિપક્ષી નેતાની ઓફિસ ઉપર સિક્યુરિટીનો ઝમેલો
જેના ભાગ રૂપે સતત બીજા દિવસે પણ મનપાના પૂર્વ નગરસેવક દિનેશ કાછડિયાને મનપામાં આવતા અટકાવ્યા હતા. જેથી વધુ એકવાર તેના કાર્યકરો અને ચીફ સિક્યુરિટી ઓફિસર વચ્ચે તુંતુંમૈમૈ થઇ ગઇ હતી. દરમિયાન મનપાનો સિક્યુરિટી વિભાગ મનપાના હેડ ક્વાર્ટરને સુરક્ષા પૂરી પાડવા સક્ષમ ના હોય તે જાણે સ્વીકારી લેવાયું હોય તેમ શનિવારે સ્થાયી સમિતિની મીટિંગ હોવાથી સવારથી જ મનપા ખાતે પોલીસ તૈનાત કરી દેવાઈ હતી.
અગાઉ પૂર્વ નગરસેવક અને આપના ચુંટાયેલા નગરસેવકોને પણ દરવાજા બહાર અટકાવી દેનારા ચીફ સિક્યુરિટી ઓફિસરને વિપક્ષી નેતાના આદેશ બાદ થૂંકેલું ચાટવું પડ્યું હતું અને ભાજપ શાસકો આમ આદમી પાર્ટીથી ડરતા હોવાની છાપ પડી હતી. ત્યારે શનિવારે પણ ફરીથી કાછડિયાને રોકી ચીફ સિક્યુરિટી ઓફિસરે શાસકોમાં ‘આમ આદમી પાર્ટી’નો ખૌફ માથા ઉપરથી પસાર થઇ રહ્યો હોવાની પ્રતીતિ કરાવી હતી. તેમજ પૂર્વ નગરસેવકોની ‘ગરિમા’ નહીં જળવાતાં લોકશાહીનાં ચીંથરાં ઊડ્યાં હતાં. બાદ કાછડિયાને જ્યારે વિપક્ષની ઓફિસ સુધી જવા દેવાયા ત્યારે પણ તે હાજર રહ્યા ત્યાં સુધી વિપક્ષી ઓફિસની બહાર પોલીસ અને સિક્યુરિટી સ્ટાફનો ઝમેલો ખડકી દેવાયો હતો.
આમ આદમી પાર્ટીના નેતા હોવાથી કાછડિયાને અટકાવાય છે : ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયક
ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે જણાવ્યુ હતું કે, તે ભાજપ કે કોંગ્રેસના પૂર્વ નગરસેવક હોત તો જવા જ દઇએ તે આમ આદમી પાર્ટીના નેતા હોવાથી તેને રોક્યા હતા.