Comments

કોર્પોરેશનને કોર્પોરેટ થતું અટકાવો

‘જો મારે સારા રસ્તા પર વાહન ચલાવવા માટે રૂપિયા ચુકવવાના છે! મારાં બાળકોને સારું શિક્ષણ રૂપિયા ખર્ચીને મેળવવાનું છે. આરોગ્ય સુવિધાઓ પૈસા ખર્ચીને જ મેળવવાની છે. વીજળી-પાણી જેવી તમામ પાયાની સુવિધાઓ રૂપિયા ખર્ચીને મેળવવાની હોય તો આ ચૂંટણી ખર્ચ હું શું કામ ભોગવું! શું સરકારોનું કામ માત્ર લાયસન્સ વહેંચવાનું છે! કોણ શું વેચશે! એ નકકી કરવાનું છે?’

-આ તીખા પ્રશ્નો બધાને નથી થતા, પણ કોઇકને તો થાય જ છે. ગુજરાતમાં કોરોનાકાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂકયા છે ત્યારે એક પ્રશ્ન એ પણ થાય છે કે આ ખાનગીકરણના અતિરેકમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનું મહત્ત્વ રહ્યું છે ખરું! શું આપણાં સ્થાનિક સત્તામંડળો તેમની સત્તાનો ઉપયોગ કરી શકે છે? આપણા ભણેલા-ગણેલા શહેરીવર્ગને પૂછો કે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મહત્ત્વ શું? તેના સભ્યોની કામગીરી શું!

દેશમાં કેન્દ્ર-રાજય અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ એમ ત્રણ સ્તરમાં આર્થિક અને રાજકીય સત્તાની વહેંચણી થયેલી છે. બંધારણમાં પ્રજાનાં રોજિંદાં કામો અને પાયાની જરૂરિયાતોને સંતોષવાની જવાબદારી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને સોંપવામાં આવી છે. આપણે જેને નગર કહીએ છીએ તેને ઘણા નળ, ગટર, રસ્તાની સુવિધાવાળો વસવાટ એવું નામ આપે છે. દેશમાં છ લાખ ગામડાં અને રાજયમાં સત્તર હજારથી વધારે ગામડાં છે.

આ ગામડાંની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતોની છે. તાલુકા ગામડાંના બનેલા હોય છે એટલે ગ્રામ પંચાયતોના સંકલન-નિયમન માટે તાલુકા પંચાયત અને તાલુકાઓના નિયમન સંકલન માટે જિલ્લા પંચાયત હોય છે. પછી તો વિધાનસભા અને કેન્દ્ર સરકાર છે જ.

ભારત મિશ્ર અર્થતંત્રવાળો દેશ હોવાથી જાહેર સ્વાસ્થ્ય, જાહેર રસ્તા, શિક્ષણ, પાણી, સફાઇ જેવા સામુહિક અને પાયાના કામ સરકારે પોતાના હસ્તક રાખ્યા હતા અને જાહેર સંસ્થાઓ દ્વારા તે થતા હતા. સ્થાનિક સ્વરાજયની સંસ્થાનું અગત્યનું કામ આ રસ્તા, પાણી, વીજળી, સામુહિક વાહનવ્યવહાર, પ્રાથમિક શિક્ષણ અને જાહેર આરોગ્યની સુવિધા પૂરી પાડવાનું છે. આપણે જયારે નાગરિક તરીકે મત આપવા જઇએ ત્યારે આપણે એ વિચારવાનું છે કે સ્થાનિક સખામંડળોએ આ સુવિધાઓ આપણને પૂરી પાડી છે? એટલે ખરેખર જ આ મતદાન રસ્તા-પાણી વીજળી – સ્વાસ્થ્ય સુવિધાઓ માટે જ કરવાનું છે.

ગુજરાતમાં શહેરીકરણનો દર રાજકીય દર કરતાં વધારે છે. શહેરોમાં સ્થળાંતરિત વસ્તીનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે જ ગામડાંમાં થોડાં સુખી-મધ્યમ અને શિક્ષિત વર્ગનાં લોકો જ શહેરમાં આવે છે. એટલે નગરપાલિકા વિસ્તારમાં તદ્દન અભણ, તદ્દન ગરીબ વર્ગ જે ગામડાંમાં જોવા મળે તેવો મળતો નથી અને આપણા ઉચ્ચ મધ્યમ વર્ગે આર્થિક કારણોસર નહીં, પણ માનસિક-સામાજિક કારણોસર તમામ સરકારી સામુહિક સેવાઓ લેવાનું જ બંધ કરી દીધું છે.

આપણો બોલકો અગ્ર વર્ગ સરકારી શાળામાં બાળક ભણાવતાં નથી, સરકારી દવાખાનામાં સારવાર કરાવતા નથી. સરકારી વાહનવ્યવહારમાં મુસાફરી કરતો નથી એટલે તેને સ્થાનિક સત્તાઓ સાથે જન્મ મરણના દાખલા કઢાવવા સિવાય કોઇ સંબંધ નથી.

સરકાર આ વાત બરાબર જાણે જ છે! માટે જ તે શહેરમાં સી પ્લેન, બુલેટ ટ્રેન, રીવર ફ્રન્ટ, બી.આર.ટી.એસ. જેવા ઉચ્ચ મધ્યમ વર્ગને આકર્ષવાના આશ્ચર્યો સર્જે છે અને ખાનગીકરણના રવાડે ચડેલા મધ્યમ વર્ગને એ ધ્યાન જ નથી જતું કે મૂળમા તો સરકારી સેવાઓ કથળી છે માટે જ આપણે બજારના શરણે ગયા છીએ.

વળી, અમર્યાદ ખાનગીકરણના પવનમાં સરકારો જાહેર સેવાઓનું પણ ખાનગીકરણ કરી રહી છે અને તેમાં રોજગારીનો સંપૂર્ણ અંત આવ્યો છે. છતાં રોજગારી માટે ઝઝૂમતા દેશને કે રાજયને એ નથી થતું કે ચાલો સ્થાનિક સત્તામંડળની ચૂંટણી રોજગારીના મુદ્દે લડીએ! આ વખતે મતદાન એને જ કરીએ, જે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રોજગારીનું વચન આપે!

આજે ડોર ટુ ડોર કચરો ઉઘરાવાય છે. પણ તેનો કોન્ટ્રાકટ અપાયો છે. સફાઇ કામદારોને તો ઉચ્ચક રોજી જ મળે છે. રસ્તા બને છે, પણ તેના કોન્ટ્રાકટ અપાય છે. મજૂરોને તો માત્ર દાડી જ. આજે બગીચાઓથી માંડીને જાહેર આરોગ્ય કેન્દ્રો સુધી બધે જ મ્યુનિસિપાલીટી કોન્ટ્રાકટ આપે છે.

રસ્તાના કોન્ટ્રાકટ, પાણીના કોન્ટ્રાકટ, રોજગારીના કોન્ટ્રાકટ, બાગ-બગીચાના કોન્ટ્રાકટ…. તો આ ચૂંટણીઓ કોના માટે? કોન્ટ્રાકટ કોને આપવો તે નકકી કરવાની સત્તા માટે? કયાંક એવું ન બને કે આખા કોર્પોરેશનોનો જ કોન્ટ્રાકટ આપી દેવામાં આવે!

મહાનગરોની ચૂંટણીમાં જે જંગ જામે છે અને જે રીતે ખર્ચા થાય છે તે જોતાં પ્રશ્ન થવો જોઇએ કે એવું તે શું મળતું હશે આ નગરસેવકોને કે તેઓ આટલો ખર્ચ કરે છે?

નગર અને મહાનગરપાલિકામાં હવે મલાઇ હોય તો જાહેર સેવાના ઇજારા અને કોન્ટ્રાકટમાં. આજુબાજુના વિસ્તારો શહેરમાં ભેળવી તેની જમીનોના સોદા કરવામાં… આ મોટો ધંધો છે! માટે નાગરિકો જાગજો અને તમારા ઉમેદવારોને ઓળખજો. કોર્પોરેશનને કોર્પોરેટ લૂક આપવાની ઘેલછામાં કોર્પોરેટના જ તાબે ન થઇ જવાય એ જોજો…. મતદાન અવશ્ય કરજો, પણ વરસાદના પાણીનો નિકાલ થયો હતો કે ભરાયા હતા? ટ્રાફિકનો પ્રશ્ન વકર્યો છે કે સુધર્યો છે? કોરોનાકાળમાં તમારા નગરસેવકો દેખાયા હતા કે અદ્રશ્ય હતા એ વિચારીને જ મતદાન કરજો.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top