Gujarat

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા નવા 26 સિટી સ્કેન-3 એમ.આર.આઈ મશીનો ગોઠવાશે

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. જેના પગલે સરકાર દ્વારા નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ૧૧૨.૫૦ કરોડના ખર્ચે નવા ૨૬ સિટી સ્કેન મશીન અને ૩ એમ.આર.આઇ. મશીનની ખરીદી માટે લીલી ઝંડી આપી દેવાઈ છે. આજે કેબીનેટ બેઠકમાં હોસ્પિટલોમાં વધારાના બેડની વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ હતી. કેબીનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાની 3જી લહેરની સંભાવનાના પગલે રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને જ્યાં સિવિલ હોસ્પિટલ નથી તેવી ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે રૂ.૮૨.૫૦ કરોડના ખર્ચે સિટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જી.એમ.ઈ.આર.એસ સંલગ્ન સિવિલ હોસ્પિટલ-સોલા, ગોત્રી હોસ્પિટલ-વડોદરા અને સિવિલ હોસ્પિટલ-ગાંધીનગર ખાતે પણ રૂ.૩૦ કરોડના ખર્ચે એમ.આર.આઇ. મશીનની સુવિધાઓ પુરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ રૂ.૧૧૨.૫૦ કરોડના ખર્ચે કુલ-૨૯ મશીનો દ્વારા હોસ્પિટલોને અદ્યતન સુવિધાયુક્ત બનાવવાનો નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય વિભાગ હસ્તકની આણંદ, આહવા-ડાંગ, બોટાદ, ભરૂચ, છોટાઉદેપુર, ગોધરા, જામખંભાળીયા, લુણાવાડા, મહેસાણા, નવસારી, રાજપીપળા, સુરેન્દ્રનગર, વેરાવળ અને વ્યારા જનરલ હોસ્પિટલ તેમજ એસ.એસ.હોસ્પિટલ- પેટલાદ, પી.કે.હોસ્પિટલ- રાજકોટ અને જમનાબાઇ હોસ્પિટલ, વડોદરા ખાતે ૧-૧ CT SCAN મળી કુલ-૧૭ 16 Slice સિટી સ્કેન મશીનો કુલ રૂ.૪૨.૫૦ કરોડના ખર્ચે ફાળવવામાં આવશે.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અમદાવાદ, એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા, નવી સિવિલ હોસ્પિટલ સુરત, સર ટી. હોસ્પિટલ ભાવનગર, પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ, જી.જી. હોસ્પિટલ જામનગર, જી.એમ.ઈ.આર. એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગાંધીનગર, જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગોત્રી-વડોદરા તેમજ જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જુનાગઢ ખાતે ૧-૧ 128 Slice CT SCAN મળી કુલ-૦૯ મશીનો કુલ રૂ.૪૫ કરોડના ખર્ચે ફાળવવામાં આવશે.પટેલે જણાવ્યું હતું કે આ સેવાઓ ઉપલબ્ધ થવાથી કોરોના સિવાયના દર્દીઓને પણ અન્ય રોગોની તપાસ માટે પણ સ્થાનિક જિલ્લા કક્ષાએ સુવિધા ઉપલબ્ધ થશે, જેના પરિણામે દર્દીઓને સારવાર માટે દૂર જવું નહી પડે તેમજ આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે.

Most Popular

To Top