વાપી : વાપીમાં કોરોના (corona)ની બીજી લહેર (second wave)માં પોઝિટિવ કેસ 700 ને પાર થઇ ગયા છે. જોકે તે પૈકી હાલ તો 120 જેટલા દર્દીઓ હજી સારવાર હેઠળ છે. બાકીના 500 જેટલા દર્દીઓને સારવાર બાદ રજા (dis charge) આપવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે 81 દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો છે. જે પૈકી 72 દર્દીઓને અન્ય બીમારી હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં બતાવવામાં આવ્યું છે.
એક અંદાજ પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધુ હોવાનું તેમજ મરણનું પ્રમાણ (mortality ratio) પણ વધુ હોવાનું જોવા મળ્યું છે. આ વખતે કોરોના સિવાય પણ જે વાતાવરણ બન્યું છે તેમા મૃત્યુનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળ્યું છે. આ મહામારીની સાથે ડરથી ઘણાં મોટી ઉંમરના લોકોએ અકાળે જ જીવ ગુમાવ્યો છે. બીજી લહેર વાપી માટે પણ ખૂબ ઘાતક નીવડી છે. છતાં આરોગ્ય વિભાગ તેની સામે બાથ ભીડી રહ્યો છે. હવે વાપી વિસ્તારમાં શુક્રવારે ફરી વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વાપીના વીઆઇએ ખાતે શુક્રવારે આરોગ્ય વિભાગની ટીમ વેક્સિન (vaccine) આપવાનું શરૂ કર્યુ હતું. વાપી શહેર વિસ્તારના 900 જેટલા વ્યકિતને વેક્સિન આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે વાપી વિસ્તારમાં ઝડપથી વેક્સિન આપવાની કામગીરીને ગતિ આપી છે. તેમને વિવિધ સંગઠનનો પણ સહકાર મળી રહ્યો છે.
પહેલી લહેરમાં પણ વાપીમાં વધુ પ્રકોપ
કોવિડ-19ની પહેલી લહેર (first wave)માં પણ વલસાડ જિલ્લામાં વાપી કેન્દ્રમાં રહ્યું હતું. આ વખતે પણ વાપીમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. વાપી વિસ્તારમાં પહેલી લહેર વખતે જે વિસ્તારો કોરોના માટે હોટસ્પોટ બની ગયા હતા. એ જ વિસ્તાર બીજી લહેરમાં પણ કોરોના માટે ઘાતક નીવડી રહ્યા છે. વાપીમાં શુક્રવારે કોરોનાના 24 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. 16 પુરુષ અને 8 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. આ 24 કેસમાં પણ ચણોદ, છીરી, છરવાડા, અંબાચ, કોપરલી, પંડોર, ડુંગરા, સલવાવ, ભડકમોરા તેમજ હરિયાપાર્ક જેવા વિસ્તારો સામે આવ્યા છે.