National

કોરોનાના વળતા પાણી : કેરળ અને ઉત્તરપૂર્વ સહિત દેશમાં કોરોના-આર વેલ્યુ 0.9 થઇ ગયો

દેશમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાની સ્પીડનો સંકેત આપતો આર વેલ્યુ અર્થાત રિપ્રોડક્ટિવ વેલ્યુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એકથી વધુ રહ્યા પછી કેરળ અને ઉત્તર-પૂર્વના રાજ્યો સહિત દેશભરમાં સતત ઘટતો જઇ રહ્યો હોવાનું રિસર્ચર્સે જણાવ્યું હતું. સંશોધકો દ્વારા કરવામાં આવેલી ગણતરી અનુસાર 14થી 16 ઓગસ્ટ દરમિયાન આર વેલ્યુ ઘટીને 0.89 પર પહોંચ્યો છે. આ તરફ બાળકો માટેની વેક્સીન સપ્ટેમ્બર પછી ઉપલબ્ધ થવાની સંભાવના છે.

જો આર એક કરતાં ઓછો હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે નવા ચેપી લોકોની સંખ્યા પહેલાના સમયગાળામાં ચેપગ્રસ્ત લોકોના આંકડા કરતાં ઓછી છે અને રોગચાળાના કેસમાં ઘટાડો આવી રહ્યો છે. આ સંશોધનની આગેવાની સંભાળનાર ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સના સિતબારા સિંહાએ પીટીઆઇને પોતાના આંકડાનો સંદર્ભ આપીને કહ્યું હતુ કે ભારતનો આર વેલ્યુ હવે ઘટીને 0.9ની આસપાસ થયો છે.

કેરળનો આર વેલ્યુ હવે સાત મહિનાના ગાળા પછી 1ની નીચે આવ્યો છે, જે રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા માટે મથી રહેલા અધિકારીઓ માટે રાહતનો સંકેત છે.દરમિયાન નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે કહ્યું હતું કે બાળકો માટેની રસી સપ્ટેમ્બર પછી ઉપલબ્ઘ થઇ શકે છે અને 2થી 18 વર્ષ વચ્ચેના વયજૂથમાં આવતા લોકો માટે હાલ ટ્રાયલ ચાલી રહી છે.

તેમણે કહ્યું હતું કે 2/3 તબક્કાની ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહી છે. આશા છે કે તેના પરિણામો ટૂંકમાં જ મળી જશે અને તેને નિયામકો સમક્ષ રજૂ કરવામાં આવશે. મોટાભાગે સપ્ટેમ્બર અથવા સપ્ટેમ્બર પછી આપણી પાસે બાળકો માટેની વેકસીન કોવાક્સિન આવી જશે એવું તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top