SURAT : ચેમ્બર ઓફ કોમર્સ ( CHEMBER OF COMMERCE ) દ્વારા મંગળવારે ‘કોરોના અથથી ઇતિ’ વિષય ઉપર વેબિનાર ( VEBINAR ) યોજાયો હતો. જેમાં નવી સિવિલ હોસ્પિટલના પી.એસ.એમ. વિભાગનાં ભૂતપૂર્વ વડાં તેમજ સામાજિક કાર્યકર્તા ડો.વિકાસબેન દેસાઇએ મહત્ત્વની જાણકારી આપી હતી. ડો. વિકાસબેન દેસાઇએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ ( CORONA VIRUS ) એ નવું ઇન્ફેક્શન છે અને વાયરલ ઇન્ફેક્શન છે. આ વાયરસના મોડેલ્સ બનાવવા સરળ નથી એટલે એ ઝડપથી વધી રહ્યો છે. જેટલી ઝડપથી એ વધી રહ્યો છે તેટલી ઝડપથી નીચે આવી શકશે એવી શક્યતા છે. અન્ય દેશોએ તો કોરોનાના ત્રીજા વેવની સામેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોરોનાના કેટલા વેવની સામે લડવાનું છે, એ હજુ ચોક્કસ નથી. આથી એના માટે આપણે તૈયાર અને સચેત રહેવું પડશે.
તેમણે કહ્યું કે, આજે નવાં ઇન્ફેક્શન આવે છે એ ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. જેટલા ઝડપથી પ્રગતિ થઇ રહી છે, તેના કારણે આરોગ્યની સમસ્યા પણ ઊભી થઇ રહી છે. ઇકોલોજી ડિસ્ટબર્ન્સને કારણે જંગલો ઓછાં થઇ ગયાં અને તેના કારણે પર્યાવરણના બદલાવની વિપરીત અસર થઇ રહી છે એ હકીકત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા અને અત્યારના વાયરસમાં ઘણો બદલાવ આવ્યો છે. આ વાયરસ ખૂબ જ સૂક્ષ્મ જીવ હોવાથી તેના ગુણધર્મો બદલતો હોય છે. કોરોનાવાયરસ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પણ ટકી ગયો છે. એટલે આ વાયરસની ગંભીરતા સમજવી પડશે. આ વાયરસ એનાં લક્ષણો બદલી રહ્યો છે. હાલમાં કોરોના વાયરસ ઉપર સીધી અસર કરે તેવી વેક્સિન ઉપલબ્ધ થઇ નથી. તેમણે કહ્યું કે, સુરતમાં કોરોના કેસ માટે અઠવા ઝોન અવ્વલ છે. દરિયા કિનારેના વિસ્તારોમાં કોરોનાના કેસ વધારે જોવા મળ્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાથી છૂટ્યા એવું સમજીને લોકોએ રેસ્ટોરામાં જવાનું, પાર્ટીઓમાં જવાનું અને લગ્નો સમારોહમાં જવાનું શરૂ કર્યું અને ત્યારબાદ કેસો ફરીથી વધ્યા છે એવું કહી શકાય છે. લોકો હર્ડ ઇમ્યુનિટી વિશે જાણતા થયા છે એટલે કે આરોગ્યને લગતી માહિતી લોકો પાસે પહોંચવી જોઇએ.
ડો. વિકાસબેન દેસાઇએ વધુમાં કહ્યું કે, સુરત એવું શહેર છે કે જે ફ્લડ, પ્લેગ અને લેપ્ટોસ્પાયરોસિસને હરાવીને પાછું બેઠું થયું છે. સુરત એ સ્થિતિ સ્થાપક શહેર છે અને ફરીથી મૂળ પ્રગતિ ઉપર આવી જાય છે. પણ શહેરની આરોગ્ય સમસ્યાની વાત કરીએ ત્યારે આરોગ્ય અને પર્યાવરણ માટે સગવડો ઊભી કરવી જોઇએ અને નિયમોનું પાલન કરાવી શકાવું જોઇએ. બધા લોકોને આરોગ્ય વિશે માહિતગાર કરવું જોઇએ. એકલા તંત્રની જવાબદારી નથી પણ દરેકને આરોગ્ય વિશે વિચારવું પડશે. માત્ર નોકરી આપવાથી કે ખાવાનું આપવાથી માઇગ્રન્ટ વર્કર્સ રોકાશે નહીં. તેમના માટે માઇગ્રન્ટ પોલિસી અને માઇગ્રન્ટ કેર સેન્ટર ઊભું કરવા ઉપર ફોકસ કરવું પડશે. માઇગ્રન્ટ વર્કર્સ પાછા જવાની તૈયારી સાથે જ વતન જાય છે. માઇગ્રન્ટ્સમાં ત્રણ સ્તર છે. રિસન્ટ માઇગ્રન્ટ, પાંચ–દસ વર્ષથી શહેરમાં છે અને દસ વર્ષ કરતા વધુ સમયથી સુરતમાં આવેલા અને સુરતમાં સ્થાયી થઇ ગયેલા માઇગ્રન્ટ લોકો સુરતમાં જ રહીને દરેક પરિસ્થિતિનો સામનો કરે છે. કોરોનાની સમસ્યા ત્રણેક વર્ષ સુધી ચાલશે તેવું લાગી રહ્યું છે.
એના માટે લાંબા ગાળા માટેનું આયોજન કરવું પડશે. ટેસ્ટિંગ અને ટ્રેકિંગની સાથે સમયસર ટ્રિટમેન્ટ કરવી જરૂરી છે. ડો. દેસાઇએ કહ્યું કે, કોરોના પણ શહેરી આરોગ્ય સેવાનો વિષય છે. સુરતની આરોગ્ય સેવા દેશભરમાં વખાણાય છે. લોકો સુધી પહોંચવા માટે મહિલા આરોગ્ય સમિતિઓ, સ્લમમાં અને વોર્ડ સમિતિ બનાવવાની જરૂરિયાત છે. એક વોર્ડમાં લોકોને સમજી શકે અને લોકોને સમજાવી શકે તેવી કમિટી બનાવવાની જરૂરિયાત છે. ચૂંટાયેલા નગરસેવકોને જવાબદારી સોંપી શકાય છે. પ્રોએક્ટિવલી આ દિશામાં આગળ વધવાની જરૂર છે. સ્માર્ટ સિટીમાં આરોગ્યલક્ષી, બાળકોલક્ષી અને ક્લાયમેટલક્ષી ફોકસ કરવાની જરૂર છે. અંતે તેમણે બધાને માસ્ક સરખી રીતે પહેરવા માટે અનુરોધ કર્યો હતો.