વડોદરા: વડોદરા શહેરમાં કોરોનાએ કાબૂ ગુમાવ્યો છે.દિવસેને દિવસે કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.વીતેલા 24 કલાકમાં શહેરમાં કોરોનાએ તેના ત્રણ શતક પુરા કર્યા છે.રવિવારે કોરોનાના નવા 398 કેસ નોંધાયા હતા.જ્યારે 166 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.જોકે પાલિકાના કોવિડ બુલેટિનમાં કોરોનાથી મરણની સંખ્યા 623 પર સ્થિર રહેવા પામી છે. વડોદરા શહેરમાં કોરોના નું સંક્રમણ દિવસે અને દિવસે વીજળીક ગતિએ ફેલાઈ રહ્યું છે.શનિવારે નવા 398 કેસ નોંધાયા હતા.મહાનગરપાલિકા દ્વારા જારી કરેલી યાદી મુજબ કુલ મરણનો આંક 623 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.
વિતેલા 24 કલાકમાં 10,044 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 398 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 9,646 નેગેટિવ આવ્યા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 166 વ્યક્તિઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ 7 દિવસ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 72,423 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 85 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 84 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 81 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 97 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 51 દર્દી મળી કુલ 398 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 74,399 ઉપર પહોંચ્યો છે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે માંડવી મેલડી માતાજીનું મંદિર સાંજે 4 કલાકે બંધ કરાશે
માંડવીની મેલડીમાતાના મંદિરે દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો મા મેલડી ના દર્શન કરવા માટે આવતા હોય છે.ત્યારે હાલ કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી ફેલાઈ રહ્યું છે ત્યારે સરકારની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને માંડવી ખાતે આવેલી મેલડી માતાજીના મંદિરે સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.તેમજ દર્શનાર્થે આવતા ભક્તોને પણ માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણપણે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે.પૂજારી ભોળાભાઈએ દર્શન અર્થે આવતા ભક્તોને ચાર વાગ્યા સુધી દર્શન થઇ શકશે તેમ જણાવ્યું હતુ.કોરોનાની મહામારીના કારણે 4 વાગ્યે મંદિર બંધ કરી દેવામાં આવશે અને વહેલી તકે આ મહામારીનો નાશ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
શહેરમાં હાલ 1199 લોકો હોમ આઈસોલેશન તેમજ કોરોનાના 1,353 એક્ટિવ કેસ
શહેરમાં કોરોનાએ કહેર વાર્તાવવાની શરૂઆત કરી છે.રોજબરોજ બહોળી સંખ્યામાં નવા કેસોનો ઉમેરો થવા માંડ્યો છે.ત્યારે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1,353 અને હોમઆઇસોલેશન હેઠળ 1,199 વ્યક્તિઓ છે.જ્યારે 154 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 5 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 14 દર્દીઓ,ઓક્સિજન ઉપર 51 અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 84 દર્દીઓનો સમાવેશ થાય છે.જ્યારે કુલ 1,867 વ્યક્તિઓ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે.
પાલિકાની સભા શાખાનો કર્મચારી કોરોનાની ઝપેટમાં
વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક કર્મચારી કોરોનાની ચપેટમાં આવ્યો હતો.આરોગ્ય વિભાગના બે કર્મચારી બાદ સભા શાખાનો કર્મચારી કોરોના સંક્રમિત થયો છે.શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સ્વરૂપે કોરોનાના કેસોનો આંક ખૂબ ઝડપે ઊંચો જઈ રહ્યો છે.ત્યારે વીતેલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોનો આંક 398 પર પહોંચ્યો છે.બીજી તરફ પાલિકાના આરોગ્ય વિભાગના બે કર્મચારી બાદ વધુ એક સભા શાખાનો કર્મચારી કોરોનાગ્રસ્ત થયો છે.
લક્ષ્મીપુરા અને નંદેસરી પોલીસ મથકના 2 પોલીસ જવાનો કોરોના સંક્રમિત
ફતેગંજ પોલીસ મથકના પી.આઇ.અને હેડ ક્વાર્ટરના હેડ કોન્સ્ટેબલ કોરોનાની ઝપેટમાં આવી ગયા બાદ લક્ષ્મીપુરા અને નંદેસરી પોલીસ મથકના મળી 2 પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા.શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે ખાસ કરીને સરકારી દફ્તરોમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી દીધી છે.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતા પોલીસ વિભાગોમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે.ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગતરોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા.જે બાદ આજે નંદેસરી અને લક્ષ્મીપુરા પોલીસ મથકના મળી કુલ 2 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળવા પામી હતી.