શહેરમાં હજીરા ખાતે બ્રિટનથી આવેલી મહિલા અને તેના પરિવારના ત્રણ સભ્યોને કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જણાતા નવી સિવિલમાં દાખલ કર્યાના 14 દિવસ બાદ બીજો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. હજી સુધી આ દર્દીઓના પુણે ખાતે મોકલવામાં આવેલા સેમ્પલોનો રિપોર્ટ આવ્યો નથી. જે સરકારની નવા સ્ટ્રેનના વાયરસની કેટલી ગંભીરતા છે તે બતાવી રહી છે. બ્રિટનમાં કોરોનાવાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફરી દુનિયાના મોટા ભાગના દેશોમાં હંગામો વ્યાપ્યો છે.
ઉતાવળમાં ઘણા દેશોએ બ્રિટન અને યુરોપથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ડર પાછળનું મુખ્ય કારણ એ છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન પહેલા કરતા વધુ ચેપી ગણાવામાં આવી રહ્યો છે. ભારત પણ આ અંગે સજાગ છે અને 31 ડિસેમ્બર સુધી યુકેથી આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આ સાથે જ બ્રિટેનથી આવતા તમામ પ્રવાસીઓના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અને અનેક તકેદારી રાખવામાં આવી રહી છે.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન કોવિડ-19 કરતા વધુ ચેપી હોવાની આશંકા છે. પરંતુ સરકાર ખરેખર આ બાબતે કેટલી બેદરકાર છે તેનો ખ્યાલ બ્રિટનથી હજીરા આવેલા દર્દીઓને જોતા આવી રહ્યો છે. ઈંગ્લેન્ડથી હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો 14 દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફફડેલા આરોગ્ય વિભાગે પરિણીતાના સંપર્કમાં આવેલી તેની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને નવી સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્રણેયના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન આજે આ ત્રણેય દર્દીઓના 14 દિવસ બાદ ફરી આરટીપીસીઆર ટેસ્ટ કરતા રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. પરંતુ પુણે મોકલવામાં આવેલા રિપોર્ટ હજી આવ્યા નથી જે સરકાર કેટલી ગંભીરતાથી કામ કરી રહી છે તે દર્શાવે છે.