સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે સુરત મનપા દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરમાં ખાસ કરીને મોલમાં શનિવાર રવિવારે ખરીદી માટે ભીડ થતી હોવાથી મનપા દ્વારા શનિ-રવિ મોલ બંધ રાખવા સુચના આપી છે. પરંતુ શહેરમાં ખુલ્લામાં ભરાતી માર્કેટોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે. જેઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
શહેરમાં કોરોનાના કેસો ફરીવાર વધતા તંત્રએ ફરી કમર કસી છે. માસ્ક નહી પહેરતા લોકો સામે પણ લાલ આંખ કરી છે. તેમજ જે જગ્યાએ વધુ ભીડ થતી હોય ત્યાં પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં ખુલ્લી જગ્યાએ માર્કેટો ભરાય છે. જ્યાં લોકોની ભીડ ખુબ જ થતી હોય છે.
પરંતુ તંત્ર દ્વારા આવા માર્કેટો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, જેથી મોલધારકો, દુકાનદારો તેમજ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો રોષે ભરાયા છે. હાલમાં સંક્રમણ વધતા હોટલ-રેસ્ટોરન્ટમાં પણ ટેક-અવે જ રાખવા સુચના આપવામાં આવી હોય, નાના માર્કેટો પર પણ તવાઈ કરવામાં આવતી નથી.
સહારા દરવાજા શાક માર્કેટ અને સાંજે મજુરાગેટ બજારમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ વિના ભારે ભીડ થઈ રહી છે. ગાંધી કોલેજ મજુરાગેટથી જુની આરટીઓ સુધીના રોડના બન્ને તરફ ગેરકાયદે બજાર ભરાઈ છે. તેમાં પણ હજારો લોકો માસ્ક સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થઈ રહ્યાં છે અને સંક્રમણ ફેલાવી રહ્યા છે. પરંતુ આ માર્કેટો બંધ કરાવાતી નથી. તંત્રની બેવળી નીતિથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.