કોરોનામાં અપાયેલી છૂટછાટ અને ચૂંટણી પ્રચારમાં બેફામ બનેલા રાજકારણીઓને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં શરૂ થયેલો વધારો હવે ઓલટાઈમ હાઈ સુધી પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે કોરોનાની મહામારી પરાકાષ્ઠાએ હતી ત્યારે પણ સુરતમાં જેટલા કેસ નહોતાં તેટલા કેસ આ વખતે નોંધાઈ રહ્યાં છે. ગત વર્ષે 27મી નવેમ્બરના રોજ કોરોનાના સુરતમાં ઓલટાઈમ હાઈ 238 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ ગત વર્ષે આનાથી વધારે કેસ નોંધાયા નહોતાં. ત્યારબાદ કેસમાં સતત ઘટાડો જ જોવા મળ્યો હતો.
જોકે, હવે ફરી ત્રણ દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં રોજ નવા વિક્રમ નોંધાઈ રહ્યાં છે. ગત તા.15મી માર્ચના રોજ સુરતમાં કોરોનાના ઓલટાઈમ હાઈ 240 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગઈકાલે તા.16મી માર્ચના રોજ કોરોનાના કેસનો નવો વિક્રમ થયો હતો અને 263 કેસ નોંધાયા હતાં. જ્યારે આજે બુધવારે તા.17મી માર્ચના રોજ સુરતમાં કોરોનાના કેસનો આંક નવો વિક્રમ સર્જી પ્રથમ વખત 300ને પાર કરી ઓલટાઈમ હાઈ 315નો નોંધાયો છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંક 43,294 પર પહોંચ્યો છે. અગાઉ શહેરમાં જુન-જુલાઈ માસમાં કોરોનાના સંક્રમણમાં ઉછાળો આવ્યો હતો.
અગાઉ ગત વર્ષે જુલાઈ માસના શરૂઆતના દિવસોમાં પ્રતિદિન 250થી વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા. પરંતુ 300 કેસનો આંક ક્યારેય પાર થયો નહોતો પરંતુ હવે જૂની જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. પરંતુ એક જ દિવસમાં 300થી વધુ પોઝિટિવ દર્દી નોંધાવાનો રેકોર્ડ હવે બન્યો છે. મ્યુનિ.કમિ. બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, નવો સ્ટ્રેઈન વાયરસ ખુબ જ ચેપી છે. જે ઝડપથી ફેલાય છે. જેથી શહેરીજનોએ ખુબ જ સાવચેતી રાખવી જરૂરી છે. બુધવારે 315 કેસની સાથે વધુ 1 મોત પણ નોંધાયું છે. જેથી મોતનો આંક 854 પર પહોંચ્યો છે. બુધવારે વધુ 205 દર્દીઓ સાજા પણ થઈ ગયા હતાં. અત્યાર સુધીમાં કુલ 41,129 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ ઘટીને 95 ટકા પર આવી ગયો છે.
સુરતમાં ક્યારે ક્યારે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા
તારીખ કેસ
27-11-20 238
15-3-21 240
16-3-21 315
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ
સેન્ટ્રલ 27
વરાછા-એ 31
વરાછા-બી 20
રાંદેર 52
કતારગામ 31
લિંબાયત 38
ઉધના 29
અઠવા 87