સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેરમાં કાબુમાં આવી ગયેલા કોરોનાના કેસમાં ચૂંટણી વખતે રાજકીય નેતાઓના તાયફાઓ અને ગાઇડલાઇના ધજાગરા ઉડાવી દેવાતા શહેરમાં ફરીવાર કોરોના બોમ્બ ફાટયો છે. તેમજ એક જ ત્રણ માસ બાદ ફરીથી 200થી વધુ દર્દી એક જ દિવસમાં નોંધાતા રાજકીય નેતાઓના જશ્નની સજા પ્રજાએ ફરીથી લોકડાઉન કે પ્રતિબંધો સહન કરીને ભોગવવી પડે તેવી સ્થિતી ઉભી થવા માંડી છે.
હાલમાં અગાઉ જુન-જુલાઇ અને ત્યાર બાદ દિવાળી બાદ થઈ હતી તે જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દિવાળી પહેલા શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી ગયું હતું. પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન શહેરીજનો મોટી સંખ્યામાં એકત્ર થતા તેમજ બહાર ફરવા જતા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. નવેમ્બર અને ડિસેમ્બર માસમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લે પાંચમી ડિસેમ્બરે શહેરમાં 202 કોરોનાના કેસ નોંધાયા હતા. ત્યારબાદ સતત આંકમાં ઘટાડો થતો ગયો હતો અને જાન્યુઆરી અંત સુધીમાં તો સંક્રમણ ખુબ જ કાબુમાં આવી ગયું હતું.
પ્રતિદિન માત્ર 20 થી 30 જેટલા જ પોઝિટિવ દર્દી નોંધાતા હતા. પરંતુ ચૂંટણી જાહેરાત થતા જ ચૂંટણી પ્રચાર, રેલી, જાહેર સભા અને ચૂંટણી પરિણામો બાદના વિજય સરઘસોમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા રહ્યાં અને બેકાબુ બનેલા નેતાઓ સામે તંત્ર મુક પ્રેક્ષક બની જતા હવે ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રવિવારે શહેરમાં ફરીવાર કોરોનાના કેસ 200 પાર ગયા છે અને 217 પોઝિટિવ દર્દી નોંધાતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 42,476 પર પહોંચ્યો છે. તેમજ વધુ 127 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 40,630 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ ઘટીને 95.65 ટકા પર પહોંચ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન પોઝિટિવ દર્દી
સેન્ટ્રલ 21
વરાછા-એ 14
વરાછા-બી 08
રાંદેર 40
કતારગામ 17
લિંબાયત 23
ઉધના 15
અઠવા 79