SURAT

ગટરના પાણીમાં કોરોના છે કે નહીં અને છે તો કયા વેરિઅન્ટનો છે? તે હવે યુનિ. શોધશે

સુરત : કોરોના વાયરસના (Corona virus) નવા વેરિએન્ટના દહેશતથી કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. તેવામાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો (VNSGU) બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ (Bio Science Department ) શહેરના જુદા જુદા વિસ્તારના ગટરના પાણીમાંથી કોરોના વાયરસ શોધશે. જે સંશોધન માટે કેન્દ્ર સરકાર તરફથી બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટને વાર્ષિક રૂ. 70 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ડિપાર્ટમેન્ટને વાર્ષિક રૂ. 70 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી
કોરોના વાયરસના નવા વેરિએન્ટ બીએફ સેવને આખા વિશ્વામાં હાહાકાર મચાવ્યો છે. જેને ખતમ કરવા માટે ભારત સહિત વિશ્વમાં અનેક પ્રકારના સંશોધન કરાય રહ્યા છે. કોરોના વાયરસ કાપડ સહિતની ચીજ વસ્તુઓની સાથે ગંદા પણીમાં પણ મળે છે. આમ, આવા સંશોધન બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોર્ડમાં આવી છે. દરમિયાન ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયો ટેક્નોલોજી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટને વાર્ષિક રૂ. 70 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ સુરત શહેરના 11 સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના સેમ્પલ લઈ કોરોના વાયરસ છે કે નહીં? તે શોધશે. આટલું જ નહીં, કોરોના વાયરસ છે તો પછી એ કયા વેરિએન્ટનો છે? તે શોધશે.

ગટરના પાણીમાંથી કોરોના વાયરસની હયાતી મળી
આખા સંશોધનના પ્રિન્સિપાલ ઇન્સ્પેક્ટર ડો. રાજેશ પટેલ છે. જ્યારે કો-પ્રિન્સિપાલ ઇન્સ્પેક્ટર ડો. પ્રવિણ દુધાગરા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની પહેલી અને બીજી લહેર દરમિયાન દેશમાં સૌથી પહેલા ગંગા નદીના જુદા જુદા ગટરના પાણીમાંથી કોરોના વાયરસની હયાતી મળી આવી હતી. જે પછી ગાંધીનગર આઇઆઇટીએ અમદાવાદના સાબરમતી નદી અને ચંડોળાના તળાવોના પાણીનું રિસર્ચ કરતા તેમાંથી પણ કોરોના વાયરસ મળ્યા હતા. જો કે, તે વાયરસ મળવા પાછળનું કારણ તે હતું કે તે પાણીમાં સુએઝનું પાણી ઠલવાતું હતું.

પાણીના સેમ્પલ લઇ તપાસવાનો આદેશ કર્યો
આ પછી તરત જ ગુજરાત સરકારે સુરત અને વડોદરા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીમાં કોરોના વાયરસની હયાતી છે કે નહીં? તે જાણવાનો નિર્ણય કર્યો હતો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સુરત અને વડોદરાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના સેમ્પલ લઇ તપાસવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ સુરતના 11 અને વડોદરાના 7 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલો લેવાયા હતા. જો કે, તેમાંથી વાઈરસ મળ્યા નહોતા.

Most Popular

To Top