દેશ આ વર્ષે કોરોના વાયરસની પુનરાવૃત્તિની વિનાશક અસરોમાંથી બહાર આવવાનો બાકી છે અને આ વધુ કાળજી અને સાવધાનીનો સમય છે. એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યું હતું. તેમણે સંસદને લોકશાહીનું મંદિર ગણાવ્યું હતું.
ભારતના 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ‘આપણે આપણા રક્ષણને ઓછું થવા દઇશું નહીં. રસીઓ આપણાં માટે વિજ્ઞાનનું સર્વોત્તમ રક્ષા કવચ છે.
તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેરે દેશના જાહેર આરોગ્યસંભાળ માળખા પર ઘણું દબાણ લાવ્યું હતું. કોવિંદે જણાવ્યું હતું કે, વાસ્તવિકતા એ છે કે કોઈ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન અર્થતંત્રો પણ આટલા મોટા પ્રમાણમાં કટોકટીનો સામનો કરી શકતું નથી. તેમણે કહ્યું કે, આ અંગે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
કોવિંદે ચેતવણી આપી હતી કે, મહામારીની તીવ્રતા ઘટી છે, પરંતુ કોરોના વાયરસ હજી દૂર થયો નથી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોરોનાના નવા પ્રકારો અને અન્ય અનપેક્ષિત પરિબળોને કારણે દેશ ભયંકર બીજી લહેરથી પીડાય છે.