ગાંધીનગર (Gandhinagar): કોરોના સામે એક વર્ષ સુધી લડત આપ્યા બાદ માંડ હવે આપણે કોરોનાથી રાહત મળશે એવુ લાગે છે. આપણે બધા જ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ શરૂ થઇ રહ્યું છે, ત્યારે આ રસી વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે.
આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે. ત્યાંથી ગ્રીન કોરિડોરથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેક્સિનને લઈ જવામાં આવશે. એરપોર્ટથી ગાંધીનગરના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સિવાય ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રહેશે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) જણાવ્યું કે, કોરોના મહામારી સામેની જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. તેમણે કહ્યુ કે ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં સીધી ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. વિજય રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ગુજરાતમાં ઘર-ઘર સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજાર થી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર (vaccinator) તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની (Cold Chain Transportation) વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજનલ ડેપો (regional depo) તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાના સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ (Dry Run) પણ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. એક વેઇટિંગ રૂમ એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબઝર્વેશનમાં (observation) રાખવા માટે પણ અલાયદો ઓબ્ઝર્વેશન રૂમ રાખવામાં આવશે.