કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને આજે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રસીકરણ અભિયાનને આગામી દિવસોમાં વિસ્તૃત બનાવવામાં આવશે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં આપવામાં આવતી બે ભારતીય રસીઓના બાબતે કોઇ ગેરસમજ હોવી જોઇએ નહીં.
સરકાર દેશમાં તમામને રસી મૂકવા માગે છે કે કેમ? એવા એનસીપીના સાંસદ સુપ્રિયા સુળેના પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું હતું કે વૈજ્ઞાનિક રીતે દેશની દરેકે દરેક વ્યક્તિને રસી મૂકવાનું જરૂરી નથી. વિશ્વના દરેકે દરેક માણસને પણ રસી મૂકવામાં નહીં આવે.
રસીકરણ માટે પ્રાથમિકતાની પ્રક્રિયા એક વિશિષ્ટ પ્રક્રિયા છે. વાયરસની વર્તણૂક પણ વિશિષ્ટ હોય છે. તમામ બાબતો વૈજ્ઞાનિક હકીકતો, ચકાસણી અને તમામ વૈજ્ઞાનિક અને આરોગ્ય સમુદાયના અભિપ્રાયો પર આધારિત હોય છે એમ તેમણે જણાવ્યું હતું.
લોકસભામાં પ્રશ્નોત્તરી કલાક દરમ્યાન હર્ષ વર્ધને જણાવ્યું હતું કે ભારતે અત્યાર સુધીમાં સાડા ત્રણથી ચાર કરોડ લોકોને રસી મૂકી છે અને આ રસીઓની આડઅસર ૦.૦૦૦૪૩૨ ટકા જ નોંધાઇ છે. દરેક રસી બધા જ લોકોને માટે જરૂરી હોતી નથી અને આજે અમે જે જૂથોને પ્રાથમિકતા આપીને રસી મૂકીએ છીએ તેમાં પહેલા આરોગ્ય કર્મચારીઓ, બાદમાં વરિષ્ઠ નાગરિકો અને બાદમાં ૪૫થી પ૯ વર્ષની વચ્ચેની વયના લોકો જેવા જૂથોનો સમાવેશ થાય છે અને આગામી દિવસોમાં આને વિસ્તૃત કરવામાં આવશે અને આ બધું નિષ્ણાતોના અભિપ્રાયના આધારે કરવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું. ફક્ત ભારતીય નિષ્ણાતો જ નહીં, પરંતુ અમે પ્રાયોરિટી ગ્રુપો માટે વિશ્વ આરોગ્ય સંગઠનોની માર્ગદર્શિકા પણ ધ્યાનમાં લીધી છે એ મુજબ તેમણે જણાવ્યું હતું.
લોકોમાં રસી અંગે ભય છે કે તે ભવિષ્યમાં તેમને નુકસાન કરશે એવા એક સાંસદના પ્રશ્નના જવાબમાં હર્ષ વર્ધને ભારપૂર્વક જણાવ્યું હતું કે રસી લેવાથી રસીથી અટકાવી શકાતા રોગોથી મુક્તિ મેળવી શકાય છે. આપણે પોલિયો અને અછબડા પર વિજય રસીકરણને કારણે મેળવ્યો છે અને રસી વ્યાપક પરીક્ષણો પછી આવતી હોય છે અને લોકોએ રસી મૂકાવવી જોઇએ એમ તેમણે કહ્યું હતું.