કોરોના (Corona) મહામારી દરમ્યાન જ્યાં એક તરફ દેશમાં ગરીબોને ખાવાનાં ફાંફા પડી ગયાં હતાં તો બીજી તરફ દેશમાં આ દરમ્યાન અમીરોની સંખ્યા વધી છે. બિન સરકારી સંગઠન ઑક્સફેમ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 2021માં ભારતમાં અબજપતિઓની સંખ્યા 102થી 39% વધીને 142 થઈ ગઈ. આજે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2022નો પહેલો દિવસ છે. આ અવસરે ઑક્સફેમ ઇન્ડિયા તરફથી વાર્ષિક અસમાનતા સર્વે જારી કરવામાં આવ્યો એ મુજબ કોરોના કાળમાં ભારતીય અબજપતિઓની કુલ સંપત્તિ બમણી થઈ ગઈ છે. એમની અમીરીનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ટોપ-10 અમીરો પાસે એટલી દોલત છે કે તેઓ દેશની તમામ શાળા અને કૉલેજોને આગામી 25 વર્ષો સુધી ચલાવી શકે છે.
માત્ર 10 ટકા લોકો પાસે 45% નાણાં
કોરોનાકાળમાં પણ આર્થિક અસમાનતા એટલી વધી ગઈ છે કે દેશના સૌથી અમીર 10 ટકા લોકોની પાસે દેશની 45 ટકા સંપત્તિ છે. તો દેશની 50 ટકા ગરીબ વસ્તી પાસે માત્ર 6 ટકા દોલત છે.
1% ટેક્સથી મળી જાય 17.7 લાખ એક્સ્ટ્રા ઑક્સિજન સિલિન્ડર્સ
અહેવાલમાં જણાવાયું કે ભારતના ટૉપ-10% અમીર લોકો પર જો 1 ટકા વધારાનો ટેક્સ લગાવવામાં આવે તો એ પૈસાથી દેશને 17.7 લાખ એક્સ્ટ્રા ઑક્સિજન સિલિન્ડર્સ મળી જાય. જો દેશના 98 અમીર પરિવારો પર એક ટકા વધારાનો ટેક્સ લગાવાય તો એ પૈસાથી આયુષ્માન ભારત યોજનાને આગામી સાત વર્ષો સુધી ચલાવી શકાય. આ યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે.
દેશના 98 અમીરો પાસે 55.5 કરોડ ગરીબ લોકો જેટલી દોલત
આ આર્થિક અસમાનતા અહેવાલ અનુસાર દેશના 142 અબજપતિઓની કુલ સંપત્તિ રૂ. 53 લાખ કરોડ (719 અબજ ડૉલર) છે. 98 સૌથી અમીર લોકો પાસે 55.5 કરોડ ગરીબ લોકો બરાબર દોલત છે. આ 98 પરિવારોની કુલ સંપત્તિ ભારત સરકારના ટોટલ બજેટના લગભગ 41 ટકા છે.
અહેવાલમાં કહેવાયું કે જો ભારતના ટૉપ 10 અમીરો રોજના આધારે 1 મિલિયન ડૉલર એટલે કે 7.4 કરોડ રૂપિયા ખર્ચ કરે તો પણ એમની સંપત્તિ ખર્ચાતા 84 વર્ષો લાગી જાય. જો દેશના અમીરો પર વૅલ્થ ટેક્સ લગાવાય તો 78.3 અબજ ડૉલર એટલે કે 5.8 લાખ કરોડ રૂપિયા એકત્ર કરી શકાય. આ નાણાંથી સરકારનું હેલ્થ બજેટ 271 ટકા વધી શકે છે. અહેવાલ મુજબ કોરોના કાળમાં જૉબ લૉસ મામલે 28 ટકા મહિલાઓ છે. એમની કુલ કમાણી બે તૃતિયાંશ ઘટી ગઈ છે.