અમૃતસર : ઈટાલીથી (Italy) કોરોના (Corona) બોમ્બ લઈને એક ફ્લાઈટ (Flight) અમૃતસર (Amritsar) આવી પહોંચતા હાહાકાર મચી ગયો છે. આ ફ્લાઈટમાં સવાર 179 પેસેન્જર પૈકી 125 મુસાફરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona test positive of 125 passengers) આવતા અમૃતસરના આરોગ્ય તંત્રમાં ફફડાટ મચી ગયો છે. આ તમામ મુસાફરોને ક્વોરેન્ટાઈન (Quarantine) કરી દેવાયા છે. ફ્લાઈટમાં સેનિટાઈઝેશન (Sanitization) શરૂ કરી દેવાયું છે. અન્ય મુસાફરોને પણ સાવચેતી રાખવા સૂચના આપી દેવાઈ છે. એરપોર્ટ ડિરેક્ટર વીકે શેઠે કહ્યું કે પ્લેનમાં કુલ 179 મુસાફરો હાજર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈટાલીથી ચાર્ટર ફ્લાઇટ UU-661 માં કુલ 179 મુસાફરો સવાર હતા, આ ફ્લાઈટ બુધવારે લગભગ 1.30 વાગ્યે ઇટાલીથી અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇટાલીનો જોખમી દેશોની શ્રેણીમાં સમાવેશ કરાયો છે. તેથી કોરોના પ્રોટોકોલ હેઠળ 160 મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 125 કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકીના મુસાફરોમાં 19 બાળકો હતા, જેમને નિયમો અનુસાર કોરોના ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે ઇટાલીના મિલાન અને પંજાબના અમૃતસર વચ્ચેની ચાર્ટર ફ્લાઇટ પોર્ટુગીઝ કંપની યુરોએટલાન્ટિક એરવેઝ દ્વારા સંચાલિત હતી.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે જ્યારે આ મુસાફરોનો RTPCR રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે 179 મુસાફરોમાંથી 125 મુસાફરો કોરોનાથી સંક્રમિત છે. આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોની સંખ્યાને કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ડાયરેક્ટર વીકે સેઠે જણાવ્યું કે વહીવટીતંત્રના નિર્દેશો પર તમામ કોરોના સંક્રમિત મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઓમિક્રોન વેરિઅન્ટના પરીક્ષણ માટે તમામ મુસાફરોના નમૂના મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ 91 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાને કારણે 325 લોકોના મોત પણ થયા છે. તે જ સમયે, 19,206 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાના કુલ કેસ વધીને 3,51,09,286 થઈ ગયા છે. તે જ સમયે, સક્રિય કેસ વધીને 2,85,401 થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક વધીને 4,82,876 થયો છે.