વડોદરા : કાબુમાં આવેલ કોરોનાની સદંતર અવગણના કરતા નગરજનો દિવાળીની ખરીદી કરવા બજારમાં ધસી પડતા કિડયારું ઉભરાય તેવી ગિરદી જામે છે.તે જોતા કદાચ દિવાળી બાદ કોરોના વિસ્ફોટ થાય તેમ હાલમાં આવી રહેલા નવા કેસો પરથી અનુમાન લગાવી શકાય તેમ છે.કોરોનાં પોઝિટિવના વધુ 7 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,121 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાંને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી.
વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 2,310 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 7 પોઝિટિવ અને 2,303 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 16 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 1 દર્દીની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 1 અને 0 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 26 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 2 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.