Charchapatra

કોરોના કાળ: તુમકો ન ભૂલ પાયેંગે

વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ 2020 ના માર્ચ મહિનાથી શરૂઆત કરેલી અને અનેકને રોગના ભોગ બનાવ્યા હતા. કોરોના એટલો ક્રૂર બન્યો કે રોજ અસંખ્ય મોત થવા લાગ્યાં. કોઇએ પિતા, પુત્ર, મિત્ર, પુત્રી, ભાઇ બહેન, પત્ની ગુમાવી. રોજ ટપોટપ મોત થવા લાગ્યાં, કોરોનાના દર્દી માટે હોસ્પિટલોમાં બેડ ન મળે, સ્મશાનમાં પણ લાશોને વેઇટીંગમાં રહેવું પડે, લોકડાઉનના કારણે બજાર બંધ રહ્યાં, રોજગારી માટે ફાંફાં પડતા હતા. આવો કપરો સમય કદી જોવા મળ્યો ન હતો, ત્યાર બાદ કોરોનાની બીજી લહેર, પછી વેકિસનની શોધ થયા પછી કોરોના કાબૂમાં આવ્યો હતો. હવે અનલોક થતાં બજાર, વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ થઇ ગયા છે. પરંતુ ભૂતકાળ કદી ભૂલાતો નથી, કોરોના કાળના ચિત્કારની ગુંજ આજે પણ લોકોના દિલોદિમાગમાં રહેલી છે અને લોકો કહે છે કોરોના તુમ કો ન ભૂલ પાયેંગે તેમ છતાં કોરોનાની ત્રીજી લહેર કેવી હશે તે માટેની ચિંતા સતાવી રહી છે. પરંતુ વેકિસન જ તારણહાર છે. આથી પ્રત્યેક દેશવાસીઓએ વિના સંકોચ અને ગભરાયા વિના રસીકરણ કરાવવું જોઇએ. રાત્રી કરફયુ હવે બિનજરૂરી છે, જનજીવન સામાન્ય બનતા સિનેમા ઘરો, નાટય ગૃહોને પુન: ધબકતાં કરવાની છૂટ આપવી જોઇએ.

તરસાડા  – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top