ભારતમાં (India) કોરોનાના કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે, જોકે નિષ્ણાંતોનું માનવું છે કે આ વાઇરસની તીવ્રતા ઘટી છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવાની ફરજ પડતી હતી, તેની સામે કોરોનાની આ ત્રીજી લહેરમાં લોકો જાતે જ હોમ અઈસોલેટ થઈ સાજા થઇ રહ્યા હોવાનાં કિસ્સા સામે આવી રહ્યા છે. બીજી લહેરમાં ફેલાયેલો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જ ગંભીર હતો. પરંતુ ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ જેટલો ગંભીર નથી. રેડિયોલોજિસ્ટ ડો.હેમંત પટેલે ઓમિક્રોન તેમજ કોરોનાથી સંક્રમિત થયેલા લોકોના શરીર ઉપર થયેલ અલગ અલગ અસરો અંગે જાણકારી આપી હતી જે દરમ્યાન તેઓએ જણાવ્યું છે કે ડેલ્ટા ફેફસાં સુધી જતો હતો જ્યારે ઓમિક્રોન ગળાની નીચે ઉતરતો નથી.
કોરોનાની બીજી લહેરની વાત કરીએ તો ડેલ્ટા વેરિયન્ટના કારણે ડેલ્ટાથી સંક્રમિત લોકોની હાલત ગંભીર થઇ હતી. તેમજ તે સમય દરમ્યાન મોતનું તાંડવ પણ સર્જાયું હતું. બીજી લહેર દરમ્યાન દર્દીને ફેફસાંને થયેલ નુકસાન અને આગળની સારવાર માટે સીટી સ્કેન કરાવુ પડતું હતું, જેમાં દર્દીના ફેફસાં સુધી આ વાઇરસની અસર જોવા મળતી હતી. ઓમિક્રોનની વાત કરીએ તો તેના કોઈ ખાસ લક્ષણો ન હોવાથી દર્દીએ સીટી સ્કેન કરાવવું પડતું નથી અને સીટી સ્કેન કરાવનાર દર્દીના ફેફસાં પર પણ મોટાભાગે કોઈ આડઅસર જોવા મળી નથી.
ઓમિક્રોન માત્ર ઝડપથી ફેલાય છે, પરંતુ તે વધુ ગંભીર નથી. ઓમિક્રોનના દર્દીમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે. ઓમિક્રોન ગળા સુધી જઈને અટકી જાય છે, જ્યારે ડેલ્ટા વ્યક્તિના ફેફસાં અંદર જઈ ફેફસાંને નુકસાન કરતો હતો. કોરોનાના સીટી સ્કેન રિપોર્ટમાં ડેલ્ટા વેરિયન્ટ ફેફસાંના ભાગમાં કરોળિયા જેવુ જાળુ બનાવે છે. આ ઉપરાંત ફેફસાંમાં પાણી ભરાઈ જવુ, શ્વાસ ન લેવાવો, ઓક્સિજનની જરૂરીયાત વગેરે જેવા લક્ષણો જોવા મળતા હતાં. આ ઉપરાંત ડેલ્ટાથી સંક્રમિત દર્દીમાં બંને ફેફસાંમાં વાઇરસની હાજરી જોવા મળતી હતી. CT-CVP 20 થી વધુ થતો હતો એટલે કે દર્દીની હાલત પણ ગંભીર થઇ જતી હતી.
રેડિયોલોજિસ્ટ ડો.હેમંત પટેલના જણાવ્યા અનુસાર ઓમિક્રોનના દર્દીનો સીટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે ઓમિક્રોનના દર્દીના રિપોર્ટમાં ફેફસાં ઉપર કોઈ આડઅસર જોવા મળી નથી. સામાન્ય માણસની જેમ જ ઓમિક્રોન વાઇરસથી સંક્રમિત થયેલા દર્દીના ફેફસાં જોવા મળ્યા હતાં. ઓમિક્રોનમાં CT-CVP પણ નહીવત આવે છે એટલે કે ફેફસાં કે અન્ય ભાગમાં તે કોઈ આડઅસર કરતો નથી. ઓમિક્રોન સંક્રમિત દર્દીના રિપોર્ટ પણ સામાન્ય આવી રહ્યા છે.
ડોક્ટર હેમંતના જણાવ્યા અનુસાર મોટા ભાગના લોકોએ વેક્સિન લઇ લીધી છે. જેના કારણે ઓમિક્રોન વાઇરસ માટે લોકોમાં ગંભીરતા જોવા મળતી નથી. પરંતુ લોકોએ અત્યારે સાવચેતી રાખવી જોઈએ. પોઝિટિવ આવતા દવા લેવી તથા જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર કરાવી જોઈએ.