અમદાવાદ(Ahmedabad) : રાજ્યભરમાં કોરોનાનો (Corona) વિસ્ફોટ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે રાજ્યમાં વધુ નવા 1259 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 631 કેસ નોંધાવા પામ્યા છે. સાથે જ આજે અમદાવાદમાં વધુ નવા 21 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં જોધપુર, સેટેલાઈટ, સરખેજ, શાહીબાગ, સૈજપુર, કૃષ્ણનગર, પાલડી, નવારાણીપ, ચાંદખેડા, ભાઈપુરા, નિકોલ, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, મણિનગર અને ઘોડાસરની કેટલીક સોસાયટીઓને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે.
ઓમિક્રોનના નવા 16 કેસોથી ફફડાટ, રાજયમાં 152 કેસો
ગાંધીનગર : રાજયમાં ઓમિક્રોનના નવા 16 કેસોથી ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે રાજયમાં ઓમિક્રોનના કુલ કેસો વધીને 152 સુધી પહોંચી ગયા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, અમદાવાદ મનપામાં નવા 7 દર્દીઓ નોંધાયા છે. જેમાં 5 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે જયારે 2 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. વડોદરા મનપામાં 2 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે. કચ્છમાં 1 દર્દી નોંધાયો છે. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અલબત્ત આ ઓમિક્રોનના દર્દીના સપર્કમાં આવ્યો હોવાનું મનાય છે. ખેડામાં પણ ટ્રાવેલ હિસ્ટ્રી સાથે ઓમિક્રોનનો દર્દી નોંધાયો છે. જામનગર ગ્રામ્યમાં 1, જામનગર મનપામાં 1 એમ બે કેસો નોંધાયો છે. તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે. સુરત મનપામાં 1 કેસ નોંધાયો છે. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.આણંદમાં 2 કેસો નોંધાયેલા છે, તે બંને કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી છે.
રાજયમાં મનપા વિસ્તાર તથા જિલ્લાવાર ઓમિક્રોનના કેસો જોઈએ તો અમદાવાદ મનપામાં 57 કેસો, વડોદરા મનપામાં 25 કેસો, સુરત મનપામાં 17 કેસો, આણંદમાં 15 કેસો, ખેડામાં 8 કેસો, રાજકોટમાં 6 કેસો, ગાંધીનગર મનપામાં 5 કેસો, જામનગર મનપામાં 4 કેસો, મહેસાણામાં 4 દર્દીઓ – ચારેય દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, કચ્છમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. ભરુચમા બે દર્દીઓ 1 દર્દી ડિસ્ચાર્જ, વડોદરામાં એક દર્દી સારવાર હેઠળ છે. પોરબંદરમાં એક દર્દી – એક દર્દીને ડિસ્ચાર્જ કરી દેવાયો છે. જુનાગઢ મનપામાં 1 દર્દી – બનાસકાંઠામા 1 દર્દીને રજા અપાઈ છે. જામનગર – અમરેલીમાં 1-1 દર્દી સારવાર હેઠળ છે.