(પ્રતિનિધિ) વડોદરા: જી.એમ.ઇ.આર.એસ.,ગોત્રી હોસ્પિટલ ના કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ અગ્રણી તબીબ ડો.વિજય શાહની સાથે જાતે રસી મુકાવી હતી. ભારતમાં જે બે રસીઓ કોવીડ સામે સુરક્ષા માટે મૂકવામાં આવી રહી છે એ બંને ઘણી સલામત રસીઓ છે એવી જાણકારી આપતાં ડો. શિતલે જણાવ્યું કે વૈજ્ઞાનિકો એ ખૂબ મહેનત કરીને આ રસી વિકસાવી છે.
આરોગ્ય ક્ષેત્રના કર્મયોગીઓ ને મોખરા ની હરોળના કોરોના લડવૈયા ગણીને રસી લેવાની પહેલી તક અપાઈ તેનો આનંદ વ્યકત કરતાં ડો. શિતલે જણાવ્યું કે લોકોમાં આ રસી સલામત હોવાનો વિશ્વાસ બંધાવવા અમે લોકો સહુ થી પહેલા રસી મુકાવીએ તે જરૂરી છે. ભારત સરકારે તમામ પેરા મીટર્સ નો તલસ્પર્શી અભ્યાસ કરીને આ રસીઓના ઉપયોગની મંજુરી આપી છે તેમ જણાવતા એમણે ઉમેર્યું કે વિદેશમાં જે રસીઓ ની ગંભીર આડ અસર થઈ છે એમાં પી.ઇ.જી.ના તત્વનું રીએકશન જવાબદાર છે.
ભારતમાં મુકાઈ રહેલી રસીઓમાં એના બદલે પોલી સોરબેટ વપરાય છે જેની નજીવી આડ અસર કેટલાક કિસ્સામાં વર્તાય છે. જેમને નજીવી આડ અસર થઈ એમને સામાન્ય દવાઓ આપવા થી સારું થયું છે.કોઈ ગંભીર આડ અસર થઈ નથી. રસીકરણ પહેલા લાભાર્થી ની ક્લિનિકલ હિસ્ટ્રી લેવામાં આવે છે અને ફૂડ એલર્જી કે અન્ય કોઈ બાબત જેના લીધે તકલીફ થવાની શક્યતા હોય તે જાણમાં આવે તો એવા લાભાર્થીને રસી મુકવામાં થી બાકાત કરાયા છે.
પારૂલ યુનિ.ના ડૉ.દેવાંશુ પટેલે પણ રસી મૂકાવી
જિલ્લા ના ગ્રામ વિસ્તારના ચાર કેન્દ્રો ખાતે મંગળવારે 98.10 ટકા જેટલું નોંધપાત્ર કોરોના રસીકરણ થયું એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું કે ભાયલી સ્ટર્લિંગ હોસ્પિટલના સેન્ટર ખાતે અગાઉ 100 ટકા રસીકરણ થયું હતું.આજે અહી નોંધાયેલા 66 ની સામે 76 કોરોના લડવૈયાઓ એ રસી મુકાવતા 115 ટકા રસીકરણ થયું હતું.
આ ઉપરાંત પારુલ મેડિકલ કોલેજના કેન્દ્ર ખાતે 95 ની સામે 94,ધીરજ હોસ્પિટલ ના કેન્દ્ર ખાતે 80 ની સામે 70 અને ગોરજ મુનિ સેવા આશ્રમના કેન્દ્ર ખાતે 60 ની સામે 55 લોકોએ રસી લીધી હતી.આમ,301 ની નોંધણી સામે 296 એ રસી લીધી હતી. પારુલ મેડિકલ કોલેજ ખાતે ડાયરેક્ટર ડો.દેવાંશુ,મેડિકલ ડીન ડો.અતુલ સક્સેના,પારુલ મેડિકલ કોલેજના ડીન ડો.હઠીલા એ રસી મુકાવી હતી.યુનિસેફ ના પ્રતિનિધિ ડો.નારાયણ એ રસી આપવાની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.