નવી દિલ્હીઃ ચીનમાં ફરી એકવાર કોરોના જેવો વાયરસ ફેલાયો હોવાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર વાયરસ ઝડપથી દેશમાં ફેલાઈ રહ્યો છે. કેટલાક લોકોનો દાવો છે કે હોસ્પિટલ અને સ્મશાનગૃહમાં લાઈનો લાગી રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ ઈન્ફલ્યુએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને COVID-19 સહિત અનેક વાયરસની હાજરીનો દાવો કરી રહ્યા છે. ચીનમાં ફેલાતો HMPV વાયરસ ફ્લૂ અને કોવિડ-19ના લક્ષણો સાથે મેળ ખાતો હોય છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા આની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
એચએમપીવી સહિતના ઘણા વાયરસ ચીનમાં પ્રબળ બની રહ્યા છે. ચાઇના ડિસીઝ કંટ્રોલ ઓથોરિટી (DCA) એ HMPV વાયરસના ફેલાવાને રોકવા માટે એક પાયલોટ મોનિટરિંગ સિસ્ટમની જાહેરાત કરી છે. ચીનમાં શિયાળા દરમિયાન શ્વસન સંબંધી બિમારીઓ વધવાની અપેક્ષા છે.
અધિકારીઓ શિયાળા અને વસંત ઋતુ દરમિયાન શ્વસન સંબંધી રોગને લગતા ચેપમાં સતત વધારો થવાની ધારણા રાખે છે. Rhinovirus અને HMPV નવા શોધાયેલા વાઇરસ પૈકી છે, જે મોટે ભાગે 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અસર કરે છે.
HMPV વાયરસ શું છે?
હ્યુમન મેટાપ્યુમોવાયરસ (એચએમપીવી) એ આરએનએ વાયરસ છે, જે ન્યુમોવિરિડે પરિવારનો છે. તે સૌ પ્રથમ 2001 માં ડચ સંશોધકો દ્વારા શોધાયું હતું. આ વાયરસ મુખ્યત્વે શ્વસન ચેપનું કારણ બને છે અને ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. તે ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાથી પણ ઝડપથી ફેલાઈ શકે છે. તેના ચેપનો સમયગાળો 3 થી 5 દિવસનો છે, અને તે શિયાળા અને વસંતમાં સૌથી સામાન્ય છે.
વાયરસનું સોફ્ટ ટાર્ગેટ
HMPV ના મુખ્ય સોફ્ટ ટાર્ગેટ બાળકો અને વૃદ્ધો છે. આ એ જ જૂથો છે જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયા હતા. વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આરોગ્ય અધિકારીઓએ લોકોને માસ્ક પહેરવા, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને વારંવાર હાથને સેનિટાઈઝ કરવાની સલાહ આપી છે.
ચીનની પ્રતિક્રિયા અને સંભવિત જોખમો
ચીનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે શિયાળા અને વસંત ઋતુમાં દેશમાં શ્વસન સંબંધી રોગોના કેસ ઝડપથી વધી શકે છે. ચીનના રોગ નિયંત્રણ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ અજ્ઞાત પ્રકારના ન્યુમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યા છે. જો કે, હજી પણ ચિંતા છે કે ચીનની સરકાર વાયરસથી સંબંધિત વાસ્તવિક ડેટા અને પરિસ્થિતિને સંપૂર્ણ રીતે જાહેર કરી રહી નથી.
HMPV સામે રસીનો અભાવ
હ્યુમન મેટાપ્યુમોવાયરસ માટે હાલમાં કોઈ રસી ઉપલબ્ધ નથી. તેના લક્ષણો સામાન્ય શરદી જેવા હોય છે, પરંતુ તે ગંભીર ચેપનું કારણ પણ બની શકે છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસોની સંખ્યા વધી રહી છે, જેના કારણે ચીનના આરોગ્ય અધિકારીઓ ચિંતિત છે.