અરવલ્લી: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાન સરકારે મહત્વનો નિર્ણય લઇ રાજ્યને જોડાતી તમામ સરહદો રવિવારે સવાર થી સીલ કરી દીધી છે.
ગુજરાતમાંથી રાજસ્થાન જતા મુસાફરો માટે ૭૨ કલાક પહેલા કરાવેલો RT -PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ આપવાનો નિર્ણય લેતા તમામ આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ ઉભી કરી તમામ મુસાફરોનું સઘન ચેકીંગ હાથ ધર્યું છે. રાજસ્થાન સરકારે અચાનક નવો ફતવો બહાર પાડતા રાજસ્થાનમાંથી ગુજરાત કામકાજ અર્થે આવેલા લોકો મહા મુસીબતમાં મુકાઈ શકે છે.
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં કોરોનાનો કહેર આતંક મચાવી રહ્યો છે ત્યારે રાજસ્થાન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઇ અરવલ્લી જિલ્લા તેમજ રાજસ્થાનને જોડતી અન્ય જીલ્લાઓની આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ ઉભી કરી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી રાજસ્થાનમાં પ્રવેશતા મુસાફરો તેમજ પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
તેમજ ૭૨ કલાક અગાઉનો RT -PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ આપવામાં આવશે. રાજસ્થાન સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતમાંથી રાજસ્થાન જનારા લોકોને હાલ પૂરતા અટકાવી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ પેદા થયું છે.
હાલ તો ગુજરાતીઓ અને ગુજરાતના માર્ગેથી રાજસ્થાનમાં પ્રવેશ કરનાર અન્ય રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજસ્થાન સરકારે તમામ સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય કર્મચારીઓની ટીમ સાથે ચેકપોસ્ટ ઉભી કરી તમામ પ્રવાસીઓની આરોગ્ય ચકાસણી હાથધરી છે.ત્યારે રતનપુર બોર્ડરે પણ ચકાસણી હાથ ધરાઈ છે
રાજસ્થાન સરકારે લીધેલા આ નિર્ણયથી ગુજરાતમાં રાજસ્થાનથી ધંધા-રોજગાર અને આરોગ્ય લક્ષી સેવાઓ માટે આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજસ્થાન સરકારે અચાનક લીધેલા નિર્ણયથી અનેક રાજસ્થાની પરિવારો અને પ્રવાસીઓ રાજસ્થાન સરહદ પર અટવાઈ જતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.