ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ જે માહિતી આપી હતી તે ખૂબ જ સ્ફોટક હતી. જયંતિ રવિના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ 55 પોઝિટિવ કેસ આવ્યા છે જે અત્યાર સુધી બહાર આવેલા કુલ કેસના 25 ટકા થવા જાય છે. જો કે, તેમણે કહ્યું હતું કે, આ આંકડા ધારણા મુજબ જ વધ્યા છે કારણ કે, હવે અમદાવાદના કોટ વિસ્તારમાં ઘરે ઘરે જઇને કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં જે કેસ બહાર આવ્યા છે તે 55માંથી 50 કેસ તો ફક્ત અમદાવાદના જ છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 241 છે તેમાંથી 133 તો ફક્ત અમદાવાદમાં જ છે. આ સાથે જ કોરોનામાં વધુ એક મોત થતાં રાજ્યમાં કુલ મોતનો આંક 17 પર પહોંચ્યો છે જ્યારે 26 લોકો સાજા થઈ ઘરે ગયા છે.
ગુરુવાર બપોર સુધીમાં ગુજરાતમાં અમદાવાદમાં 133, સુરતમાં 25, વડોદરામાં 18 અને ભાવગનરમાં 18 પોઝિટિવ કેસ થયા છે. ગાંધીનગર 13, રાજકોટમાં 11 અને પાટણમાં 5 પોઝિટિવ કેસ મળ્યા છે. ગુરુવારે અમદાવાદમાં 50 પોઝિટિવ કેસ વધ્યા હતાં જ્યારે સુરતમાં 2, છોટા ઉદેપુર, આણંદ અને દાહોદમાં 1-1 પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો હતો.