ગુજરાત: ગુજરાતમાં (Gujarat) છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના (Corona) કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેસ ઘટવાની સાથે ગુજરાત સરકારે (Government) પણ કોરોનાની ગાઈડલાઈનમાં ફેરફારો કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની મીટિંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર 11 ફેબ્રુઆરીથી કર્ફ્યુમાં છૂટ મળી છે. 19 શહેરો કર્ફ્યુ મુક્ત થયા છે જ્યારે રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂમાં ત્રણ કલાકનો ઘટાડો કરાયો છે. હવે રાત્રિના 10 થી સવારના 6ની જગ્યાએ રાત્રિના 12 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ સાથે લગ્ન પ્રસંગમાં 300 લોકોને મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ 19 શહેરોને રાત્રિ કર્ફ્યુમાંથી પૂરેપૂરી રાહત મળી ગઈ છે. આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર, જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વર જેવાં નગરોને નાઈટ કર્ફયુમાંથી મુકિત આપવામાં આવી છે.
દરેક ક્ષેત્રમાં આપવામાં આવેલી છૂટછાટમાં પણ ફેરફારો કરવામાં આવ્યાં છે. દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે. આ સાથે દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. લગ્ન પ્રંસંગમાં આ અગાઉ જે ફેરફારો કરવામાં આવ્યાં હતાં તે યથાવત રાખવામાં આવ્યાં છે. જે મુજબ ખુલ્લી જગ્યામાં 300 લોકોની મર્યાદા તેમજ બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદા રાખવામાં આવી છે. આ સાથે લગ્ન માટે ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવી પડશે. સ્મશાન યાત્રામાં 100 લોકોની હાજરી યથાવત રાખવામાં આવી છે.
જાહેર બાગ બગીચા રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. બસમાં 75 ટકા મુસાફરોને મંજૂરી આપવામાં આવી છે. જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરીમાં 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે. સૌથી મહત્વનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના 50 ટકાની સાથે ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ધોરણ 9 સુધીની સ્કૂલોનું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ચુક્યું છે ત્યારે હવે વિદ્યાર્થીઓને છૂટછાટને કારણે રાહત રહેશે અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ આગળ વધશે. જણાવી દઈએ કે કોર કમિટીની મિટીંગમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર હતા.