Gujarat

કોરોનામાં ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતાઓ બહાર લવાશે, મૃતકો માટે 4 લાખની સહાયની માંગ

આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છેત્યારે હવે ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ હવે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાવ્હાલાઓને મળીને સરકારની કોરોના કાળમાં જે નિષ્ફળતાઓ હતી તેને બહાર લાવશે. કોંગ્રેસ દ્વારા કોરોનાના મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરવા માંગ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનાં હડિયોલ, ગઢોડા, કનીયોલ ગામે કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં અવસાન પામેલા મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવશે અને સરકારની નિષ્ફળતાના કારણે પ્રજાએ ભોગવેલી હાલાકી અને સાચી હકીકતો જનતા સમક્ષ બહાર લાવશે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામના 32 વર્ષના નવયુવાનો નકુલભાઇ રાજુભાઈ પટેલ અને પરેશકુમાર કાન્તિભાઈ પ્રજાપતિનું કોરોનાને કારણે અવસાન થયું છે. સામાન્ય પરિવારને સારવાર દરમિયાન 15 થી 20 લાખનો ખર્ચ થયો, તમામ પુરાવા હોવા છતાં મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

પરિવારજનોનો દુઃખ સાથે આક્રોશ હતો કે સારવાર માટે લાખો રૂપિયાની લૂંટ ચલાવાય છે અને સરકાર મોતના આંકડા છુપાવે છે. અમે આ પરિવારને સાંત્વના આપી હતી. એટલું જ નહીં આ પરિવારની રજુઆતને વાચા આપવામાં આવશે તેમ ચાવડાએ જણાવ્યું હતું. ચાવડાએ કહ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટ શાસનમાં કોરોના મહામારીમાં લાખો લોકોના મોત, હાડમારી-, આર્થિક પાયમાલી, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાના અભાવને કારણે જનતામાં આક્રોશ છે. આગામી સમયમાં જન આંદોલનો અને સંગઠનના કાર્યક્રમો થકી જનસંપર્ક અભિયાનની શરૂઆત સાબરકાંઠાથી કરવામાં આવી છે.

Most Popular

To Top