નવી દિલ્હી: દેશભરમાં કોરોના (corona)એ ફરી ઉપાડો લીધો છે અને કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજધાની (capital) દિલ્હી (Delhi)માં પણ નવા કેસો (cases)ની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ત્યારે સુપ્રીમ (Supreme) કોર્ટ (Court)ના પાંચ જજ (judge) કોરોના સંક્રમિત હોવાની વાતે ચિંતા વધારી છે. સમલૈંગિક લગ્નની સુનાવણી કરનારી પીઠ (bench)ના એક જજ પણ કોરોનાગ્રસ્ત છે અને તેથી સોમવારે થનારી સુનાવણી (hearing)ને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
દેશના અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એવી વિગતો સાંપડી છે કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના પાંચ જજને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પાંચ જજમાં જસ્ટિટ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ જે. બી. પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા ઉપરાંત સમલૈંગિક લગ્નની સુનાવણી કરી રહેલી પીઠમાં સમાવિષ્ટ જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ કોરોનાથી સંક્રમિત છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમના અન્ય એક જજ જસ્ટિસ સૂર્યકાન્ત પણ કોરોનાથી સંક્રમિત હતાં અને ગત સપ્તાહમાં જ તેમણે કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતાં. સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રો મુજબ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેઓ તમામ જજોના સંપર્કમાં છે અને તમામના આરોગ્ય અંગે ખૂબ એલર્ટ છે. સાથે જ તેમણે એવા આદેશ કર્યાં છે કે કોઈપણ સંજોગોમાં અદાલતનું કામ પ્રભાવિત નહીં થાય. જે માટે તેમણે રજિસ્ટ્રીને સંલગ્ન આદેશ આપ્યા છે. કેટલીક બેન્ચમાં બદલાવનો નિર્ણય પણ તેમણે લીધો છે.
અત્રે નોંધનીય છે કે વિશ્વભરમાં જ્યારે કોરોના પીક ઉપર હતો ત્યારે ભારતમાં કોરોના અંકુશમાં હતો. પરંતુ હવે દેશમાં નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર જેવા અનેક રાજ્યોમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જો કે હવે દેશની ટોચની સંસ્થા ગણાતી સર્વોચ્ચ અદાલતમાં પણ કોરોનાએ પગપેસારો કરતાં ભયની સ્થિતિ જોવા મળી છે. આમ પણ સુપ્રીમ કોર્ટ ઉપર કેસોનું ભારણ વધુ છે, દેશના અત્યંત મહત્વના ગણાતાં સંવેદનશીલ કેસોની સુનાવણી ચાલી રહી છે, ત્યારે જજોમાં કોરોનાનું સંક્રમણ વધે અને સુનાવણી અવરોધાય તો તેની ગંભીર અસર પડે તેમ છે.