ગાંધીનગર(Gandhinagar): સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) 65 હજાર કરતાં વધુ મૃતકોને ઓન લાઈન અરજીના (Online Application) આધારે 50 હજારની સહાય આપવામાં આવી છે , જો કે હવે ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વ્રારા કોરોનાના મૃતકોને 4 લાખની મૃત્યુ સહાય આપવી જોઈએ, તેવી માંગ સાથે આજે તા.7મી ફેબ્રુ.ના રોજ રાજયના 33 જિલ્લાઓ અને 8 મનપા વિસ્તારોમાં ન્યાય પદયાત્રા યોજવામાં આવી હતી.
- કોરોનામાં મૃતકોને 4 લાખની સહાય આપો, 8 મનપા સહિત 33 જિલ્લામાં કોંગ્રેસે ન્યાય પદયાત્રા યોજી
- ‘કલેકટર તેરી દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી’ તેવા સૂત્રોચ્ચારો પણ કર્યા
- અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો
ગાંધીનગરમાં આજે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે આવેદન પત્ર આપવા આવી પહોચ્યા હતા. જો કે કલેકટર કુલદિપ આર્યાએ થોડી ઉતાવળ કરીને કહ્યું હતું કે જલ્દી બતાઈયે કયા હૈ.. જેના પગલે જગદીશ ઠાકોર એકદમ ઊભા થઈ ગયા હતા. એટલું જ નહીં કલેકટરને સંભળાવી દીધું હતું કે, હું ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ છું. મારી સાથે ધારાસભ્યો પણ છે. તમારી પાસે અમારી રજૂઆત સાંભળવા બે મિનિટનો સમય પણ નથી. જગદીશ ઠાકોરે કલેકટરની સામે જ ‘કલેકટર તેરી દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી’ તેવા સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. જેના પગલે કોંગીના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારના ગુનાહિત બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે ત્રણ લાખ કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોના મૃતકોના સાચા આંકડા છુપાવવાની અને સહાય માટે ઠાગાઠૈયા કરતી ભાજપ સરકારનો અસલી ચેહરો ખુલ્લો પડી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિરીક્ષણ કરાયું છે કે કોરોના મૃતક પરિવારજનોને આપવામાં આવતું વળતર એ કોઈ ઉપકાર નથી.