શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધઘટ થઈ રહી છે. શહેરમાં બે ત્રણ દિવસ 2000 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ આ આંકમાં રવિવારે એકદમ ઘટાડો નોંધાયો હતો. શનિવારે શહેરમાં રેકોર્ડબ્રેક 2361 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. પરંતુ રવિવારે સીધા 671 દર્દીઓ ઓછા નોંધાયા હતા અને માત્ર 1690 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેથી રવિવારની રજાના કારણે ઓછા ટેસ્ટીંગ થયા કે પછી ખરેખર કોરોનાનું સંક્રમણ ઘટયુ તે બાબતે તર્ક વિતર્ક ઉઠી રહયા છે.
કેમકે ચાર દિવસ પહેલા પણ અચાનક કોરોનાના રોજીંદા દર્દીઓનો આંકડો અચાનક ઘટી ગયા હતો. જો કે કાગળ પરની હકીકત જે હોય તે વાસ્તવિકતા એ છે કે, શહેરીજનોએ કોરોનાના આ નવા સ્ટ્રેન વાયરસમાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે, નવા સ્ટ્રેન વાયરસમાં સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિવારે શહેરમાં વઘુ 1690 પોઝિટિવ દર્દી નોંઘાવાની સાથે કુલ આંક 81,778 પર પહોંચી ચુક્યો છે. તેમજ વધુ 26 મોત સાથે કુલ મૃત્યુઆંક 1321 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં વધુ 1220 દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સાથે શહેરમાં અત્યારસુધીમાં કુલ 63,096 દર્દીઓ સાજા થયા હતા અને રીકવરી રેટ 77.15 ટકા પર પહોંચ્યો હતો.
શહેરમાં સેન્સક્ષની જેમ કોરોનાની વધઘટથી તર્ક-વિતર્ક
શહેરમાં કોરોનાના રોજીંદા દર્દીઓની સંખ્યામાં સેન્સેક્ષની જેમ સતત વધઘટ જોવા મળી રહી છે. ગત રવિવારે 1929 દર્દી નોંધાયા બાદ, સોમવારે 1879 દર્દી નોંધાયા અને મંગળવારે ઘટીને 1553 થઇ ગયા હતા. જે ફરી વધતા વધતા ગુરૂવારે 2340 થયા અને શુક્રવારે ઘટીને 2176 થઇ ગયા તો શનિવારે વધીને 2361 થયા બાદ રવિવારે ફરી અચાનક મોટા ઘટાડા સાથે 1690 થઇ ગયા છે.
કયા ઝોનમાં કેટલા કેસ
ઝોન પોઝિટિવ દર્દી
સેન્ટ્રલ 171
વરાછા-એ 187
વરાછા-બી 185
રાંદેર 283
કતારગામ 245
લિંબાયત 145
ઉધના 196
અઠવા 278