કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે. લોકડાઉન, કરફ્યૂ તેમજ અનાજ વિતરણ સહિતની બાબતોમાં કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો સંભાળી હતી. જેમાંથી ૫,૯૬૬ અધિકારી, કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને ૬૨ જેટલાએ જીવ ગુમાવ્યા છે. કોરોના સમયમાં સંક્રમિત અને જીવ ગુમાવનાર પ્રત્યેક પોલીસ અધિકારી, કર્મચારીઓના પરિવારને મદદ કરવા સારૂ સરકારના ધારાધોરણ અનુસાર રૂા. ૨૫ લાખ તેમના પરિવારજનોને આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ શાર્પ, સ્માર્ટ અને ફીટ રહે તે સરકારનો મંત્ર છે. પ્રશ્નોત્તરી દરમ્યાન વિધાનસભા ગૃહમાં તેમણે કહ્યું હતું કે ફીક્સ પગારમાં પોલીસમાં ફરજ બજવતા કર્મચારીઓને પણ તબીબી સારવાર હાલ માં-વાત્સલ્ય યોજનાની પેટર્ન મુજબ ‘મા કર્મયોગી’ યોજના હેઠળ કેસલેસ સારવાર આપવા રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૬ના ઠરાવથી નિર્ણય કરવામાં આવેલો છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રૂા. ૩ લાખની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદામાં સુધારો કરી રૂા. ૪ લાખ વાર્ષિક આવક મર્યાદા કરી માં વાત્સલ્ય યોજનાની તમામ લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત તેમના કુટુંબીજનોને રૂા. ૫ લાખ સુધીની સારવારના લાભ આપવામાં આવે છે.
રાજ્યની જેલોમાં સજા ભોગવતા કેદીઓને કાયદાકીય કાનૂની સલાહ વિનામૂલ્યે પૂરી પાડવાની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧થી શરૂ કરી છે. જેમાં કેદીઓને રક્ષણ માટેના હક્કો મળી રહે એ માટે માર્ગદર્શન સહિત વકીલની સુવિધાઓ પણ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
આજે વિધાનસભા ખાતે અમદાવાદ મધ્યસ્થ જેલ અને લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને કાનૂની સલાહ-સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સજા ભોગવતા કેદીઓને તેઓને ન્યાય મળે તે માટે તેઓનો કેસ કઇ રીતે લડવો, અરજી કેમ કરવી તથા વકીલો નિમવા માટે પૈસા ન હોય તો પણ રાજય સરકાર દ્વારા વિના મૂલ્યે વકીલની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ માટે ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી મારફત કેસ લડવા માટે મદદ કરવામાં આવે છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં છેલ્લા બે વર્ષમાં ૭,૬૬૬ કેદીઓને કાનૂની સલાહ અને ૬,૧૭૧ કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.
જાડેજાએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યની જેલોમાં કાચા કામના ૮,૦૬૫ પુરૂષ અને ૮૩૭ મહિલા કેદીઓને મળી કુલ ૮,૯૦૨ કેદીઓને તથા પાકા કામના ૭૩૫ પુરૂષ અને ૫૧૬ મહિલા કેદીઓ મળી કુલ ૧,૨૫૬ કેદીઓ મળી આમ એકંદરે કુલ ૧૦,૧૫૮ કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં કેદીઓને સંક્રમણથી બચાવવા માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને યોગ્ય પગલા લેવાયા જેના પરિણામે આપણે જેલોમાં સંક્રમણ અટકાવી શક્યા છીએ.
જેલ સંકુલમાં સેનિટાઇઝેશન, ફોગીંગ, યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે યોગ્ય પગલા તથા વિનામૂલ્યે માસ્કની સુવિધાઓ પુરી પડાઇ છે. એટલું જ નહી ૬૦ વર્ષથી વધુ ઉમરના કેદીઓને અલગ બેરેકમાં રાખીને તેમનું નિયમીત હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે. તથા જ્યારે નવા કેદીઓ જેલમાં આવે ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરીને એમને ૧૪ દિવસ ક્વોરન્ટાઇન રાખવાની અલાયદી સુવિધા જેલમાં ઉપલબ્ધ બનાવાઇ છે. જેના પરીણામે જેલમાં પણ સંક્રમણ અટકાવી શક્યા છીએ.
૧૪ વર્ષથી વધુ સમયની લાંબી સજા ભોગવતા કેદીઓની મુક્તિ માટેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યુ હતું કે આ માટે સંવેદના દાખવી કેદીઓને ‘વહેલી જેલ મુક્તિ’ અંગે ઉમર વધારે હોવાના કારણે, અન્ય ગંભીર રોગોના કારણે પરેશાની હોય, સજા પૂર્ણ થઇ ગઇ હોય છતાં પણ એક યા અન્ય કારણોસર લાંબા સમયથી સજા ભોગવતા હોય તે નિવારવા માટે અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ)ના અધ્યક્ષપદે એક કમીટીની રચના કરી છે. જેમાં હકારાત્મક અભિગમ અપનાવી સત્વરે સંવેદનશીલતાથી નિર્ણય લેવામાં આવનાર છે, તેમ તેમણે ઉમેર્યુ છે.
લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને કાનૂની સલાહ અને સહાયના અન્ય પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું હતું કે, લાજપોર મધ્યસ્થ જેલમાં છેલ્લા બે વર્ષમાં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીઓ પૈકી પુરૂષ-૧૩,૫૩૯ અને મહિલા-૧,૨૯૩ મળી કુલ-૧૪,૮૩૨ તથા પાકા કામના કેદીઓ પૈકી પુરૂષ-૧,૦૨૮ અને મહિલા-૨૯ મળી કુલ-૧,૦૫૭ કેદીઓ આમ એકંદરે કુલ -૧૫,૮૮૯ કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે તેમજ, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીઓ પૈકી પુરૂષ – ૧,૨૦૫ અને મહિલા – ૧૫૫ કેદીઓ મળી કુલ ૧,૩૬૦ કેદીઓને તથા પાકા કામના કેદીઓ પૈકી પુરૂષ -૪૨ અને મહિલા -૦૨ કેદીઓ મળી કુલ ૪૪ કેદીઓ મળી આમ એકંદરે કુલ ૧,૪૦૪ કેદીઓને કાનૂની સહાય આપવામાં આવી છે.