નડિયાદ: ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરીષદના હોદ્દેદારોએ મંગળવારે ઉતરસંડા સ્થિત આઈટીઆઈમાં હલ્લાબોલ કર્યો હતો. રાજ્યમાં ત્રીજો નંબર ધરાવતી આઈટીઆઈમાં ટોપી અને બુરખા પહેરવા મામલે આજે આચાર્ય સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને હિન્દુ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરાયો હતો. જો કે, આચાર્યએ આ અંગે તપાસની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. વિશ્વ હિન્દુ પરીષદ અને ઉતરસંડા આઈટીઆઈના કેટલાક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, આઈટીઆઈની અંદર વિધર્મી વિદ્યાર્થીઓ ટોપી અને બુરખા પહેરીને અભ્યાસ કરવા લાંબા સમયથી આવી રહ્યા છે. આ મામલે હિન્દુ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાતા આઈટીઆઈના જવાબદારો દ્વારા ઉદ્ધત વર્તન કરાયુ હતુ.
તો વળી, ટોપી અને બુરખા પહેરનારાઓને આઈટીઆઈ પ્રશાસન છાવરતુ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વિધર્મી વિદ્યાર્થીઓને શુક્રવારે પણ રજા અપાતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમજ ટોપી-બુરખાની સામે હિન્દુ વિદ્યાર્થીઓ ગળામાં કેસરી સાફા નાખીને પ્રવેશતા આઈટીઆઈ પ્રશાસન દ્વારા સાફા ઉતારવા માટે દબાણ કરાયુ હોવાનો પણ પ્રશ્ન ઉઠ્યો હતો. જેથી સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ વિશ્વ હિન્દુ પરીષદનો સંપર્ક કર્યો હતો. જ્યાં પરીષદના હોદ્દેદારો આજે આઈટીઆઈ ખાતે પહોંચતા હિન્દુ વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરાયો હતો અને આઈટીઆઈના પટ્ટાંગણમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઈ હતી. ચૂંટણી ટાણે ધાર્મિક મુદ્દે હોબાળો થતાં શિક્ષણવિદ્દોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક પોષાક નહીં ચલાવાય
અમને શાળામાં વિધર્મીઓ ટોપી અને બુરખા પહેરીને આવે છે, તેવી માહિતી મળી હતી. શાળામાં એક જવાબદાર વ્યક્તિને હિન્દુ વિદ્યાર્થીઓ દ્વારા મુસ્લિમોને ધાર્મિક પોષાક પહેરીને આવવા દેવા બાબતે રજૂઆત કરી હતી. જ્યાં જવાબદાર વ્યક્તિએ તમે પણ ટોપીઓ પહેરીને આવો તેવો ઉદ્ધત જવાબ આપ્યો હતો. સરકારી સંસ્થાની અંદર ધાર્મિક પોષાક પહેરાય નહીં, તેવો કાયદો છે, તે કાયદાનું જ્ઞાન કરાવવા અમારી ટીમ અહીંયા આવી છે. આચાર્ય સાથે વાત કરી તો તેમણે જે કંઈ પ્રશ્ન છે, તેનું નિરાકરણ કરવાની ખાતરી આપી છે. ઘણા સમયથી વિધર્મીઓને શુક્રવારે નમાજ પઢવાની રજા આપે છે, સોમવાર, મંગળવાર, શનિવારે હિન્દુ વિદ્યાર્થીઓને રજા આપે તો શિક્ષણ કઈ રીતે ચાલશે, એટલે તમામ રજૂઆતો કરી છે. – ઈશ્વરદાન બારોટ, મહામંત્રી, વિશ્વ હિન્દુ પરીષદ.
આઈટીઆઈમાં પ્રથમવાર આવી ફરીયાદ આવીઃ આચાર્ય
મારા કેબિનમાં આજે અચાનક વિશ્વ હિન્દુ પરીષદના લોકો આવી ગયા હતા અને તેમણે વિવિધ મુદ્દે રજૂઆતો કરી છે. તેમની રજૂઆતો ધ્યાને લીધી છે. આ માટે કમિટિ બનાવી છે, જેના દ્વારા તમામ બાબતોની તપાસ કરાશે. સંસ્થામાં કેમેરા પણ ઉપ્લ્બ્ધ છે. જેથી તેમાં પણ ચોકસાઈ પૂર્વક તપાસ કરી યોગ્ય નિર્ણય લેવાશે. 1982થી આ સંસ્થા ચાલે છે, ક્યારેય આ પ્રકારની ફરીયાદ આવી નથી. કોઈની પર કોઈ જાતનું દબાણ કરાયુ નથી અને શુક્રવારે પણ કોઈ રજા અપાતી નથી, અમારી પાસે મસ્ટર છે, તેમાં એન્ટ્રી હોય છે. – સચિન નકુમ, ઈન્ચાર્જ આચાર્ય, આઈટીઆઈ, ઉત્તરસંડા.