સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University) દ્વારા આગામી 53માં વાર્ષિક પદવીદાન સમારોહ (Annual Graduation Ceremony) માટે પદવી પ્રમાણપત્રોની (Certificate) ગુણવત્તા વધુ સારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય પાછળ કુલપતિ (Chancellor) ડો.ચાવડાનો ભપકો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સેંકડો ઉમેદવારો માંડ માંડ ફી ભરી શકે છે તે વચ્ચે કુલપતિએ નવુ ગતકડું વહેતું કરતા અચરજ ફેલાયું છે. વિદ્યાર્થીઓને (Students) નવા રંગરૂપ અને ફોટો ફ્રેમવાળા પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. જે માટેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
- પદવી ધારકોના રૂપિયે વાહવાહી લૂંટવાની કુલપતિની લાલસા સામે નારાજગી
- વિદ્યાર્થીને નિયમિત ફી ભરવાના જ વાંધા છે ત્યારે વધારો નકામો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૩મો પદવીદાન સમારોહ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યોજાશે. જે માટે વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો વધુ સારી ગુણવત્તાવાળા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને નવા રંગરૂપ અને ફોટો ફ્રેમવાળા પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. હાલ આપવામાં આવતા પદવી પ્રમાણપત્રોની નિર્ધારિત કરેલ ફી ૨૨૫ રૂપિયા છે. પરંતુ નવા પદવી પ્રમાણપત્રો માટે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જો વિદ્યાર્થી રૂબરૂ હાજર રહી પદવી મેળવવા ઈચ્છતા હોય, તે માટે વિદ્યાર્થીએ ૪૦૦ રૂપિયા અને પોસ્ટ કે કુરિયર દ્વારા પદવી મેળવવા માટે ૬૦૦ રૂપિયા ફી નિર્ધારીત કરવામાં આવી છે.