સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) એ સર્વોચ્ચ અદાલતના પ્રતીક ‘ન્યાયની દેવી’ની પ્રતિમામાં ધરમૂળથી ફેરફાર કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને સર્વાનુમતે આ ફેરફાર સામે ઠરાવ પસાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની નવી છ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેના એક હાથમાં ત્રાજવું છે અને બીજા હાથમાં તલવારની જગ્યાએ બંધારણ છે છે. સફેદ પરંપરાગત પોશાકમાં સજ્જ ‘ન્યાયની દેવી’ની નવી પ્રતિમાને આંખે પાટા પણ બાંધવામાં આવ્યા નથી અને તેના માથા પર તાજ છે.
એસસીબીએ (સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન)ના પ્રમુખ કપિલ સિબ્બલ અને એક્ઝિક્યુટિવ કમિટીના અન્ય સભ્યો દ્વારા હસ્તાક્ષર કરાયેલા ઠરાવમાં પણ સૂચિત મ્યુઝિયમ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જ્યાં તેઓએ બારના સભ્યો માટે કાફે-લાઉન્જ બનાવવાની માંગ કરી હતી. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, ‘સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની કાર્યકારી સમિતિએ અવલોકન કર્યું છે કે તાજેતરમાં જ કોર્ટે બારની સલાહ લીધા વિના તેના લોગો અને ન્યાયની દેવીની પ્રતિમામાં એકપક્ષીય રીતે કેટલાક આમૂલ ફેરફારો કર્યા છે. અમે ન્યાય પ્રણાલીમાં સમાન હિસ્સેદારો છીએ, પરંતુ સૂચિત ફેરફારો વિશે અમારી ક્યારેય સલાહ લેવામાં આવી નથી. અમે આ ફેરફારો પાછળના તર્કથી સાવ અજાણ છીએ.