વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા વર્ષ 2023 ના કેલેન્ડરના મુખ પૃષ્ઠ પર એમએસ યુનિવર્સિટીના કુલપતિ ના ફોટાને લઈને વિવાદ ઉભો થયો છે. ત્યારે સેનેટ મેમ્બરે કુલપતિએ ભદ્દો પ્રયાસ કર્યો છે તેવા આક્ષેપ સાથે તત્કાલ ફોટો હટાવીને ગરિમા સાચવવા માંગ કરી હતી. તાજેતરમાં નવા વર્ષ 2023ના યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા કેલેન્ડરને લઇ એક નવો વિવાદ ઉભો થયો છે. કેલેન્ડરના મુખ પૃષ્ઠ ઉપર કુલપતિના ફોટાને લઈને સેનેટ સભ્ય કપિલ જોશીએ ગંભીર આક્ષેપ કરી તાત્કાલિક ધોરણે ફોટો હટાવી અને યુનિવર્સિટીની ગરિમા સાચવવા માંગ કરી હતી સેનેટ સભ્ય કપિલ જોષીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાતમાં પોતાની કોઈ આગવી ઓળખ વગરના કુલપતિઓ આવી રહ્યાં છે.
જેમણે સરકારની હા જી હા સિવાય કશું આવડતું હોતું નથી.કોઈપણ દૃષ્ટિનો અભાવ એમનું પાયાનું કવો લીફિકેશન હોય છે ! હાલના યુનિવર્સિટીના કુલપતિ આ વર્ગના છે.જેની પ્રતીતિ એમણે વખતોવખત આપી છે. આવતાવેંત જ આ યુનિવર્સિટીમાં પીએચડી ગાઈડ નિયમોને તોડીને દલાતલવાડીની જેમ બની ગયાં હતાં.જેનો વિવાદ આજેય ચાલે છે.યુનિવર્સિટીમાં રિઝલ્ટના ઠેકાણા નથી,મકાનોનું શરૂ કરેલું સમારકામ ચાલુ હોય ને પરીક્ષાઓ લેવાય છે.પરીક્ષાના આગલા દિવસે પણ હોલ ટિકિટ ન મળે એવી ડિજિટલ વ્યવસ્થા છે.નેવું દિવસ થઈ જાય , ઘણીવાર તો બીજી પરીક્ષા આવે ત્યાં લગી આગલી પરીક્ષાનું રિઝલ્ટ ન આવે.આનું કોઈ તંત્ર ઊભું કરવાનો બદલે રાજા પાઠમાં કુલપતિ પોતાના તાનમાં મશગુલ છે.જાણે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય એમ એ વર્ષે યુનિવર્સિટી કેલેન્ડર પર પોતાનો ફોટો લગાવ્યો છે એ પણ મહારાજા સયાજીરાવની સાથે.આજ લગી કોઈ કુલપતિ એ આવી આત્મમુગ્ધતાનું વરવું પ્રદર્શન નથી કર્યું.કેમ્પસમાં એમનું આ પગલું હસી મજાકનો સારો વિષય બન્યો છે. આ ફોટોજીવી કુલપતિએ પોતાની ગરિમા ને ગીરવે મૂકીને જે ભોપાળું સર્જ્યું છે એ એમની વ્યકિતમત્તા નો પરિચય આપે છે. હું સેનેટ મેમ્બર તરીકે માંગ કરું છું કે એમને સ્વસ્થાપના નો જે ભદ્દો પ્રયાસ કર્યો છે એ તત્કાળ ફોટો હટાવી ગરિમા સાચવે.હું એમની આ ચેષ્ટાનો વિરોધ કરું છું.આવી ચેષ્ટા શ્રીમંત મહારાજાની લગોલગ પોતાને મૂકવાની.હું માનું છું કે યુનિવર્સિટીને ચાહનાર સહુએ આનો વિરોધ કરી એમની શાન ઠેકાણે લાવવી જોઈએ અને એમને એમનું સ્થાન બતાવવું જોઈએ.યુનિવર્સિટીના સ્થાપના દિને આ સ્વસ્થાપના કરવા પોતાને મહારાજા સયાજીરાવ સાથે મૂકતા કુલપતિને જોઈ ને પેલી કહેવત યાદ આવે છે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી. મહારાજાના ચરણોમાં તમારું સ્થાન હોય. એ દૃષ્ટિ વંત મહાપુરુષની લગોલગ આપનો ફોટો મૂકી દેવાથી કંઈ ન વળે! આજે જ બે દિવસ પછી યોજવનારી પરીક્ષા બંધ રહી છે. આનું આવડે તો કંઇક કરો.બાકી તમારી આવી ચેષ્ટાના કારણે સેનેટ મેમ્બર તરીકે મારું માથું શરમથી ઝૂકી જાય છે તેમ જણાવ્યું હતું.