ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ શુક્રવારે મેચ દરમિયાન ઓલરાઉન્ડર શિવમ દુબેની જગ્યાએ કન્કશન સબસ્ટીટ્યુટ તરીકે સ્થાન મેળવ્યું હતું. આ નિર્ણયથી મોટો વિવાદ સર્જાયો છે.
પૂર્વ ક્રિકેટરો અને ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પણ આ પગલા પર સવાલો ઉઠાવ્યા છે. આઈસીસી (ICC)ના નિયમો અનુસાર કન્કશન સબસ્ટિટ્યુટ આઉટ થયેલા ખેલાડી જેવો જ હોવો જોઈએ. દુબે અને રાણાની રમતમાં તફાવત છે અને ટીમમાં બંનેની ભૂમિકા પણ અલગ છે.
શિવમ દુબે ઓલરાઉન્ડર છે જ્યારે હર્ષિત રાણા જમણા હાથનો ફાસ્ટ બોલર છે. ઈંગ્લેન્ડના સુકાની જોસ બટલરે તેના સ્થાને કન્કશન વિકલ્પ તરીકે પ્રશ્ન કર્યો અને કહ્યું કે આ અંગે તેની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. અમે આ સાથે સહમત નથી. આ અંગે અમારી સાથે કોઈપણ રીતે કોઈ ચર્ચા થઈ નથી.
તેણે આગળ કહ્યું, બેટિંગ કરવા ઉતરતી વખતે હું આ વિશે વિચારતો હતો. હર્ષિત શેના માટે આવ્યો છે? તે કન્કશન સબસ્ટીટ્યુટ હતો, જેની સાથે હું સ્પષ્ટપણે અસંમત હતો. આ લાઈક ટુ લાઈક રિપ્લેસમેન્ટ નથી. તેણે કહ્યું કે મેચ રેફરીએ આ નિર્ણય લીધો છે. આમાં અમારું કોઈ કહેવું ન હતું. પરંતુ અમે જ્વગલ શ્રીનાથને કેટલાક પ્રશ્નો પૂછીશું જેથી કરીને આ અંગે બધું સ્પષ્ટ થઈ શકે.
ભારતની ઈનિંગની છેલ્લી ઓવરમાં બોલ દ્વારા હેલ્મેટ પર વાગવાથી શિવમ દુબેને ઈજા થઈ હતી. ત્યાર બાદ દુબેના કન્ક્શન સબસ્ટિટ્યૂટ તરીકે હર્ષિત આવ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડરે 53 રન બનાવ્યા હતા અને જેમી ઓવરટનના બોલથી ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ઈજા પછી જરૂરી કન્કશન ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને તેને રમવા માટે ક્લિયર કરવામાં આવ્યો હતો. જોકે, શિવમ દુબે છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. આ પછી તેની જગ્યાએ હર્ષિત રાણાને લેવામાં આવ્યો હતો.