કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં દેશના ઉદ્યોગ જગતની ટોચની સંસ્થા સીઆઇઆઇના એક સમારંભમાં બોલતી વખતે દેશના અગ્રણી ઉદ્યોગ ગૃહ ટાટા જૂથની ખુલ્લી ટીકા કરતા મોટો વિવાદ સર્જાયો છે અને રાજકીય નેતાઓ સહિત અનેક લોકો ગોયલના આવા વર્તનને વખોડી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર આ બાબતે આજે ઉગ્ર ચર્ચાઓ છેડાઇ હતી.
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(સીઆઇઆઇ) દ્વારા આયોજીત એક સમારંભને ગુરુવારે સંબોધન કરતા પિયુષ ગોયલે ટાટા જૂથની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ક્યા આપકે જેસી કંપની, એક દો આપને શાયદ કોઇ વિદેશી કંપની ખરીદ લી… ઉસકા ઇમ્પોર્ટન્સ ઝયાદા હો ગયા, દેશ હીત કમ હો ગયા? ટાટા જૂથે સરકારની સૂચિત નવી ઇ-કોમર્સ નીતિનો વિરોધ કર્યો હતો તે સંદર્ભમાં ગોયલે આ ટિપ્પણી કરી હતી.
ટાટા જૂથે ઇ-કોમર્સ નીતિનો એ માટે વિરોધ કર્યો હતો કે ટાટા જૂથના જોઇન્ટ વેન્ચર્સ સ્ટારબક્સ જેવી કંપનીઓ ટાટાની વેબસાઇટ પર તેના કારણે ઓનલાઇન વેચાણ કરી શકે તેમ નથી. પિયુષ ગોયલે કહ્યું હતું કે ઘણી કંપનીઓ નફા માટે સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ સમારંભમાં હાજર એવા કેટલાક લોકોને ટાંકીને દેશના એક અગ્રણી અખબારે આજે અહેવાલ આપ્યો હતો કે ગોયલે ટાટા જૂથને ખાસ જુદા પાડીને તેની ટીકા કરી હતી.
ગોયલના આ નિવેદનની સોશ્યલ મીડિયા પર ભારે ટીકા થઇ રહી છે, રાજકીય ટીકાઓ પણ થાય છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આ નવો મોદી મંત્ર છે. જેઓ મેક ઇન ઇન્ડિયા કરે છે તેમની ટીકા કરો. આપના નેતા રાઘવ ચઢ્ઢાએ ઉદ્યોગો પર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તમે જેવું રોપો છે તેવું પામો છો. દેખીતી રીતે મોદી સરકારને ઉદ્યોગોના ટેકાના સંદર્ભમાં આ કહ્યું હતું.