નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સેવક પરિવારની એક મહિલાએ બબાલ કરી શ્રીજીના હિંડોળાને ઝુલાવવા માટે પહોંચી જતાં ભારે વિવાદ સર્જાયો હતો. હિંડોળે ઝુલતાં શ્રીજી સમક્ષ સર્જાયેલાં ખેંચાખેંચી અને ઝઘડાંના દ્રશ્યો જોઈને દર્શનાર્થે આવેલાં શ્રધ્ધાળુઓ અચંબામાં પડ્યાં હતાં. ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરમાં હાલ હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે. શ્રીજી ભગવાનને દરરોજ અવનવી ચીજવસ્તુઓથી સુશોભિત કરાયેલાં હિંડોળામાં બિરાજમાન કરાવી વારાદારી સેવકો દ્વારા ઝુલાવવામાં આવી રહ્યાં છે.
ગત રવિવારના રોજ સાંજના સમયે મંદિર પરિસરમાં સુકામેવાથી સુશોભિત કરાયેલાં હિંડોળામાં શ્રીજી ભગવાનને બિરાજમાન કરાવી ઝુલાવવામાં આવી રહ્યાં હતાં. તે વખતે મંદિરમાં એક મહિલા સેવકે શ્રીજીના હિંડોળાને ઝુલાવવાની જીદ પકડી હતી. જોકે, અન્ય વારાદારી સેવકો તેમજ મંદિરમાં ફરજ બજાવતાં રણછોડ સેનાના કાર્યકરોએ તેમને રોકતાં ભારે બબાલ થઈ હતી. લાંબા સમય સુધી ચાલેલાં ઘર્ષણ બાદ મહિલા સેવક આખરે હિંડોળા સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહી મહિલા સેવક શ્રીજીના હિંડોળાને ઝુલાવવા પણ લાગી હતી. તે વખતે હિંડોળે ઝુલતાં ઝપાઝપીના દ્દશ્યો સર્જાયાં હતાં. મામલો ઉગ્ર બનતાં શ્રીજીને સમય કરતાં પહેલાં જ હિંડોળા પરથી ઉતારી નિજમંદિરમાં લઈ જવાયાં હતાં. આ અંગે મંદિર મેનેજમેન્ટે મહિલા સેવકને માત્ર નોટીસ ફટકારી સંતોષ માન્યો છે.
અગાઉ ચરણ સ્પર્શ કરતાં વિવાદ થયેલો
શ્રી રણછોડરાયજી મંદિરમાં ત્રણેક મહિના અગાઉ વારાદારી સેવકના પરિવારની સાત મહિલાઓ એકાએક નિજમંદિરમાં ઘુસી જઈને ઠાકોરજીના ચરણસ્પર્શ કરી દર્શન કર્યાં હતાં. આ અંગે મંદિર મેનેજમેન્ટ દ્વારા પોલીસમથકમાં જાહેરનામા ભંગની ફરીયાદે આપ્યા બાદ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.
વડોદરાના પરિવારે સુકામેવાનો હિંડોળો કરાવ્યો
ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં હિંડોળા મહોત્સવ દરમિયાન દરરોજ જુદા-જુદા વૈષ્ણવો દ્વારા હિંડોળો રાખવામાં આવતો હોય છે. ઠાકોરજીના શ્રધ્ધા ધરાવતાં ધનાઢ્ય વૈષ્ણવો હિંડોળો કરાવવા પાછળ હજારો-લાખો રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે. રવિવારના રોજ વડોદરાના માલીવાડ પરિવાર દ્વારા સુકામેવાનો હિંડોળો રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન હિંડોળો ઝુલાવવા બાબતે થયેલી બાબલને પગલે શ્રીજી ભગવાનને હિંડોળા પરથી વહેલાં ઉતારી લેવામાં આવ્યાં હતાં. જેને પગલે વૈષ્ણવ પરિવારમાં નારાજગી વ્યાપી હતી.
શ્રીજી સમક્ષ ખેંચાખેંચીના દ્રશ્યો જોઈ શ્રધ્ધાળુઓ અચંબિત બન્યાં
રવિવારના રોજ સાંજના સમયે એક મહિલા સેવકે મંદિર પરિસરમાં હોબાળો મચાવ્યાં બાદ શ્રીજીના હિંડોળા ઝુલવવા પહોંચી હતી. તે વખતે શ્રીજી સમક્ષ ખેંચાખેંચી અને ઝઘડાંના દ્રશ્યો સર્જાયાં હતાં. આ દ્દશ્યો જોઈ દર્શનાર્થે આવેલાં હજારો શ્રધ્ધાળુઓ અચંબામાં પડી ગયાં હતાં. મંદિરના મેનેજમેન્ટની બેદરકારી અને મંદિરના સેવકોની મનમાની સામે શ્રધ્ધાળુઓએ રોષ ઠાલવ્યો હતો.
સેવકોની મનમાનીથી પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે
ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં છેલ્લાં ઘણાં સમયથી અવનવા વિવાદો સર્જાઈ રહ્યાં છે. સેવક પરિવારની મહિલાઓએ નિજમંદિરમાં ઘુસી દર્શન કરવા તેમજ મહિલા સેવક દ્વારા શ્રીજીના હિંડોળાને ઝુલાવવા સહિતના કેટલાક કિસ્સાઓમાં સેવક પરિવારની મનમાની સામે આવી છે. તો વળી બીજી બાજુ લાડું પ્રસાદીના અટપટાં ભાવ થકી ભક્તોના ખિસ્સાં ખંખેરવા, કોરોના ગાઈડલાઈનના નામે શ્રીજીની શુક્રવાર અને અગિયારસની સવારી બંધ રાખવી જેવા અનેક મુદ્દે મંદિર મેનેજમેન્ટના અણઘડ આયોજનથી મંદિરની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાનું જાગૃતજનો જણાવી રહ્યાં છે.
મંદિરની સુરક્ષામાં છીંડા
વિશ્વ વિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિરમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન સેવક પરિવારની મહિલાઓ દ્વારા નિયમભંગ કરી નિજમંદિરમાં દર્શન કરવા તેમજ હિંડોળા ઝુલાવવાના જુદા-જુદા બે બનાવો બન્યાં હતાં. અવારનવાર નિયમનો ભંગ કરી છેક ભગવાન સુધી સેવક પરિવારની મહિલાઓ પહોંચતી હોય ત્યારે મંદિરની સુરક્ષા સામે પણ સવાલ ઉઠવા લાગ્યાં છે.
૧૨ વર્ષથી ઉપરની મહિલાઓ હિંડોળો ઝુલાવી શકે નહી
શ્રી રણછોડરાયજી મંદિરમાં દરવર્ષે અષાઢ-શ્રાવણ મહિનામાં ઉજવાતાં હિંડોળા મહોત્સવ દરમિયાન વારાદારી સેવકો દ્વારા શ્રીજી ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવે છે. મંદિરના નિયમ મુજબ ૧૨ વર્ષથી ઉપરની મહિલાઓ શ્રીજીના હિંડોળાને ઝુલાવી શકતી નથી. ૧૨ વર્ષ કરતાં નાની ઉંમરની દિકરીઓને જ શ્રીજીના હિંડોળાને ઝુલાવવાની છુટ છે.