વ્યારા: સોનગઢ ઇસ્લામપુરા ગેટ પાસે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતો પરપ્રાંતીય અનસ ઉર્ફે અન્નુ કાકર નામનો યુવક નયનદીપ કોમ્પ્લેક્સ પાસે હરિજનવાસમાં રહેતી પરિણીતાને તેની ૬ વર્ષની દીકરી અને ૫ વ્રર્ષના નાના બાળક સાથે તા.૪/૮/૨૦૨૪ના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ભગાડી જતાં આ મામલે પોલીસ વડાને ફરિયાદ થઈ છે. પરિણીતા અનુસૂચિત જાતિની અતિપછાત એવી હિન્દુ વાલ્મીકિ સમાજની મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ તથા ધર્મપરિવર્તન કરવાના બદઈરાદે બે સંતાન સાથે લઈ જતા અપહરણ અંગેની ફરિયાદ થઈ છે.
- આરોપી અનસ કાંકર ચપ્પલ અને છત્રી છોડી જતાં પતિએ પુરાવા તરીકે પોલીસમથકે રજૂ કર્યા
- પુત્ર અને પુત્રીને પણ સાથે લઈ જતાં બંને બાળકોના જીવને જોખમ હોવાની દહેશત, પોલીસવડાને ફરિયાદ
પરિણીતાના પતિએ આક્ષેપ કર્યો છે કે, તેની પત્ની સાથે દુષ્કર્મ આચરી પોતાની પત્ની બનાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાના બદઈરાદે તેને લઈ આ યુવક ભાગી ગયો છે. પોતાની ૬ વર્ષની દીકરી સાથે પણ આવું જ થવાની ભીતિથી પોતે ખૂબ જ ચિંતિત તેમજ પોતાના ૫ માસના દીકરાની જાન જોખમમાં હોવાનું જણાવ્યું છે. અન્નુ ઉર્ફે અનસ કાકર ખુંખાર માનસિકતા ધરાવતો અસામાજિક તત્ત્વ હોવાની સાથે પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ બે વર્ષ પહેલાં અનસ કાકરનો ભાઈ સમીર કાંકર પણ એક મરાઠી મહિલાને પટાવી ફોસલાવી ભગાડી ગયો હતો.
જેની નોંધ પોલીસ સ્ટેશન સોનગઢ ખાતે છે. અનસ કાંકરને રાત્રે ૧૦:૩૦ વાગે ચિકન બિરયાની લઈ પોતાનાં ઘરમાં ઘૂસતા તેણે જોયો હતો. ઝપાઝપી થતાં તેણે પરિણીતાના પતિને માર માર્યો હતો. ભાગવા જતાં તેના પગે ઈજા પણ થઇ હતી. તે ધક્કો મારી દરવાજો બહારથી બંધ કરી ભાગી જવામાં સફળ થયો હતો. ઘરમાં બૂમાબૂમ કરતાં બાજુની મહિલાએ દરવાજો ખોલ્યો હતો. અનસ કાંકરના ચપ્પલ અને સાથે લાવેલી છત્રી છોડી જતાં તેને પુરાવા તરીકે પોલીસમથકે રજૂ કરી છે. જો કે, હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હોય તેવું સામે આવ્યું નથી.