સુરત: કાપડ ઉદ્યોગની (SuratTextileIndustry) વર્તમાન મંદીમાં (Inflation) માલનો (Stock) ભરાવો ઓછો કરવાના આશય સાથે રેપિયર જેકાર્ડ (Rapier Jacquard) વિવર્સ (Weavers) એસોસીએશન ઓફ સુરત દ્વારા 21 દિવસ ફરજીયાત વેકેશન રાખવાના નિર્ણયને લીધે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ છે. માલિકીની મશીનરી,ખાતું અને માર્કેટમાં દુકાનો ધરાવનાર સધ્ધર વિવર્સને આ નિર્ણયથી લાભ થતાં નુકશાની વેઠનાર જોબવર્ક વિવર્સ કારખાનાઓ બંધ રાખવાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.
સચિન લક્ષ્મી પાર્ક અને હોજીવાલામાં જોબવર્ક વિવર્સએ કારખાનાઓનાં શટર બંધ રાખી અંદર ઉત્પાદન ચાલુ રાખતા બળજબરી પૂર્વક બાઇક પર આવેલા ટોળાંએ બંધ કરાવ્યા હતા. લક્ષ્મી વીલા ટેક્સટાઈલ પાર્કમાં બાઇક પર આવેલા ટોળાએ કારખાનામાં ઘુસી કારીગરોની મારઝૂડ કરતો વીડિયો વાઇરલ થતા ભયનો માહોલ ઊભો થયો છે.
રેપિયર જેકાર્ડ વિવર્સ એસો.એ 20 જુનથી 10 જુલાઈ કારખાનાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જે ખાતું ભાડે રાખી જોબવર્ક પર કામ કરતા વિવર્સને માન્ય નથી.એને લીધે વિવર્સ વિરુદ્ધ વિવર્સની સ્થિતિ ઊભી થઈ છે. જેને લીધે જ્યાં કારખાનાં ચાલે છે એવા સચિન જીઆઇડીસી લક્ષ્મી વીલા, ડાયમંડ પાર્ક, હોજી વાલા ઇન્ડ એસ્ટેટમાં જોબવર્ક વિવરના કારખાનાઓ બંધ કરાવવા ટોળા પહોંચી અપમાનજનક સ્થિતિમાં મુકતા હોવાના મેસેજ વાઇરલ થયા છે.
જોબવર્ક પર કામ કરતા જેકાર્ડ વિવરની આ માંગણીઓ સંતોષાય તો બંધમાં જોડાવા તૈયાર
- જોબવર્કથી કારખાનું ચલાવનારાઓને નાયલોન સોફટી સાડીનાં પ્રોડક્શન પર મીટરે 20 પૈસાને બદલે 30 પૈસા,કોટા પર 22 થી 25 ને બદલે 35 પૈસા, વિસકોસમાં 40 પૈસાથી વધુ મજૂરી દર મંજુર રાખવામાં આવે.
- એસોસિએશને રેપીયર મશીનરી સહિતના કારખાનાં માલિકોને મળતા લાભ મુજબ જોબવર્ક કરતા કારખાનેદારો માટે પણ પેમેન્ટ સાયકલ 90થી 120 દિવસને બદલે 30 દિવસ જાહેર કરે અને 30 દિવસ પછી 1.50% વ્યાજ આપવાની માંગ સ્વીકારે.
- જે જેકાર્ડ વિવર્સને ક્રિએશન માટે એક્સપોર્ટનાં ઓર્ડર મળ્યાં છે,તેઓને કારખાનાં ચાલુ રાખવાની છૂટ મળવી જોઈએ,નહીંતર એક્સપોર્ટર,વિવર્સ બંનેને નુકશાન થશે.
- રેપીયર જેકાર્ડમાં 60% જોબવર્ક કરે છે. મોટો કારખાનેદાર યાર્ન મોકલી જોબવર્ક કરાવે છે.કારખાનાં બંધથી જોબવર્ક વાળાને નુકશાન થઇ રહ્યું છે એથી બંધ ફરજિયાત નહીં સ્વૈચ્છીક રાખવામાં આવે.
- કારખાનામાં ઘુસી કારીગરોને માર મારનારને ઉઘાડા પાડવામાં આવે. કારખાનાં ચાલુ રાખનારાઓના બારણે હાર ચઢાવી,બળજબરી પૂર્વક પેંડા ખવડાવાયા
લક્ષ્મી વીલા ટેક્સટાઈલ પાર્ક અને હોજી વાલામાં જે કારખાનેદારોએ કાપડનું ઉત્પાદન ચાલુ રાખ્યું ત્યાં મોટર સાયકલ પર વિવરોના ટોળાંએ પહોંચી કારખાનેદારને ભીંસમાં લેવા ફેકટરીના પ્રવેશ દ્વારે હાર ચઢાવવામાં આવ્યા હતા અને વિરોધ કરનાર કારખાનેદારને બળજબરી પૂર્વક પેંડા ખવડાવી લ્યો તમારી રૂપિયા કમાવવાની ભૂખ દૂર કરો એવા મહેણાં મારવામાં આવ્યા હતા.એને લઈને પણ જોબવર્કના વિવરોમાં છૂપો રોષ છે. તેમને ફોગવાને આ મામલે રજૂઆત કરી છે.
સ્વૈચ્છીક બંધ રાખી જોબવર્ક વાળા વિવર્સ સાથે બળજબરી ન થવી જોઈએ: અશોક જીરાવાળા
ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે,રેપીયર જેકાર્ડ વિવર્સ બંધ સ્વૈચ્છીક રાખે,જોબવર્ક વાળાને બળજબરીથી બંધ ન કરાવે અને વિવર્સ એકતા જાળવી રાખે.ઓવર પ્રોડક્શન માટે બંધ એ ઉકેલ નથી,કોઈને બંધ માટે ફરજ ન પાડવી જોઈએ,જોબવર્કના ભાડા,લાઇટબિલ,બેન્ક લોન હપ્તાનું દયાન રાખવામાં આવે,એ લોકો પણ આપણા ભાઈઓ જ છે.બળજબરીથી કારખાનાં બંધ કરાવવા,ધમકાવવા,કારીગરો પર હાથ ઉઠાવવાથી દુશ્મની ઊભી થશે. વિવર્સ એકતાને નુકશાન થશે. જેકાર્ડ વિવર્સએ સંયમ જાળવી,ચર્ચા વિચારણાથી પ્રશ્નનો ઉકેલ લાવે.