SURAT

સુરતના વેડરોડ ઉપર લાઇનદોરીનો અમલ કરવા ગયેલી મનપાની ટીમને કોર્પોરેટરોએ અટકાવતા ભારે વિવાદ

સુરત: (Surat) એકબાજુ શહેરમાં ગેરકાયદે બાંધકામો (Illegal construction) અને દબાણો બાબતે નગરસેવકો જ મીટિંગો અને સામાન્ય સભામાં રજૂઆતો કરી મીડિયામાં ચમકવા પ્રયાસ કરે છે. તો બીજી બાજુ મનપાની ટીમ (SMC) આવાં બાંધકામો સામે કાર્યવાહી કરવા પહોંચે છે ત્યારે સતા પક્ષના નગરસેવકો જ રાજકીય દબાણ (Political Pressure) લાવી બચાવતા હોવાની વાત નવી નથી. ત્યારે ગુરુવારે કતારગામ ઝોન દ્વારા સિંગણપોર ચાર રસ્તાથી ડભોલી ચાર રસ્તા સુધી ૩૬ મીટરના જાહેર થયેલા ટીપી રોડને (Road) ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરાઈ ત્યારે ભાજપના (BJP Corporator) જ નગરસેવક નરેન્દ્ર પાંડવ તેમજ જ્યોતિ પટેલે સ્થળ પર દોડી જઇ વિરોધ કરતાં ભારે વિવાદ થયો છે.

પ્રાપ્ત વિગત મુજબ વેડ-વરિયાવ બ્રિજને લાગુ આ મુખ્ય રસ્તા પર તાપી નદીથી વેડગામ સુધીના રસ્તા પર ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરી ત્યારે તેના માટે કોઇ રજૂઆત સુધ્ધાં નહીં કરનાર નગરસેવકો ગુરુવારે દુકાનદારોની મિલકત બચાવવા દોડી જતાં અનેક તર્કવિતર્ક ચર્ચાઇ રહ્યાં છે. ટીપી રસ્તો ખુલ્લો કરવાની માંગ અને નિયમ મુજબ પણ ટીપી રસ્તો ખુલ્લો કરવા માટે થઇ રહેલી કામગીરી સામે કતારગામ વોર્ડ નં.૭ના સ્થાનિક કોર્પોરેટરો નંદલાલ પાંડવ અને જ્યોતિ પટેલે ઝોનના અધિકારીઓ સાથે ભારે માથાકૂટ કરી એકાદ કલાક સુધી કામગીરી અટકાવી હતી. તેમજ દુકાનધારકોને પણ આ કામગીરી ન થવા દેવા માટે ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા હતા. અધિકારીઓ અત્યાર સુધી ક્યાં ગયા હતા, સામેની દુકાનવાળા પાસે પૈસા લઈને એક તરફની દુકાન, ઓટલા તોડી રહ્યાના આક્ષેપો પણ કરાયા હતા. જો કે, આ ટીપીનો રોડ હોવાથી ગેરકાયદે દબાણ દૂર કરવા પાલિકા તંત્ર મક્કમ હોવાથી પાલિકાએ મચક આપી ન હતી. આ બબાલના કારણે કલાકો સુધી ડિમોલિશનની કામગીરી અટકી ગઈ હતી, અને ફરી શરૂ પણ કરાઈ હતી. ઝોનના અધિકારીઓના જણાવ્યા મુજબ આવતીકાલે પણ આ કામગીરી યથાવત રહેશે.

શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયાની ભલામણ સામે સ્થાનિક નગરસેવકોનો વિરોધ ?

મહાનગર પાલિકા દ્વારા બની રહેલા વેડ-વરિયાવ બ્રિજનું કામ હવે પૂરું થવાને આરે છે. આ બ્રિજ બન્યા બાદ આ રોડ પર હાલમાં પણ જે ટ્રાફિક સમસ્યા છે તે બવડાઇ જશે તેવી શક્યતા છે તેથી અગમચેતીના ભાગરૂપે દુકાનદારોએ વર્ષોથી બનાવી દીધેલા ગેરકાયદે ઓટલા દૂર કરી અહીં રસ્તો પહોળો કરવા અને લાઇનદોરીનો અમલ કરવા આ વિસ્તારના પૂર્વ નગરસેવક અને વર્તમાન સરકારના મંત્રી વિનોદ મોરડિયા દ્વારા પણ ભલામણ હતી. આમ છતાં વાસ્તવિકતાની જાણનો અભાવ અથવા અન્ય કોઇ સ્થાપિત હિતને કારણે મંત્રીના જ મત વિસ્તારના ભાજપના જ નગરસેવકોએ આ કામગીરીનો વિરોધ કરતાં રાજકીય હુંસાતુંસી પણ વધી હોવાની પ્રતીતિ થઇ રહી છે. તેમજ પક્ષની શિસ્તના લીરો ઉડાવનાર નગરસેવકો સામે સંગઠન શું કરે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top