SURAT

વેડરોડના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીનો દ્વારકાધીશ અંગે ટીપ્પણી કરતો વીડિયો વાયરલ થતાં વિવાદ

સુરત: સનાતન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરતાં સ્વામિનારાયણના સંતોના નિવેદનો છેલ્લા થોડા સમયથી વિવાદોમાં રહ્યા છે. હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. બે વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સિલસિલો હજુ પણ અટક્યો નથી. ત્યારે છેલ્લા ચાર દિવસમાં દ્વારકાધીશને લઈ સ્વામીનારાયણ સંપ્રદાયના બીજો વિવાદ સામે આવ્યો છે.

હવે શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપતો 59 સેકન્ડનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કહે છે કે, દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી’. જેના લઈ સનાતન ધર્મના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ વીડિયોએ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યુ છે.

નીલકંઠચરણ સ્વામીએ વાયરલ વીડિયોમાં શું કહ્યું?
વાઇરલ વીડિયોમાં સ્વામી નિવેદન આપી રહ્યાં છે કે, “મહારાજ કહે છે કે, જ્યારે અમે દ્વારકા ગયેલા, ત્યારે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી, જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે.’ આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોઉં તો દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા. એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. જે બાદ દ્વારકાધીશ સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા.

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ બાબતે વિવાદી ટીપ્પણીઓનો સીલસીલો

પુસ્તકોમાં તેમના પાત્રો ગોઠવી દેવી-દેવતાઓનું અપમાન’
સનાતન ધર્મના દેવી-દેવતાઓના અપમાન કરવા અંગે (23 ફેબ્રુઆરી. 2025) સનાતન ધર્મના ધર્માવલંબીઓની અને સંતો વચ્ચે ગોષ્ઠીનું આયોજન અમદાવાદના મીઠાખળી ખાતે થયું હતું. દેશમાં લોકશાહીનો અધિકાર મળ્યો છે. લોકો પોતાના ધર્મ અને સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરી શકે છે, એની સામે કોઈ વાંધો નથી. મૂળભૂત જે સનાતન ધર્મ છે, તેના દેવી-દેવતાઓને નીચા બતાવવાનો અને તેમનું અપમાન કરવામાં આવે છે. પુસ્તકોમાં તેમના પાત્રો ગોઠવી દેવાના એવા તમામ વિષય ઉપર પહેલી બેઠક સાધુ-સંતોની લીંબડીમાં થઈ હતી. બીજી જુનાગઢ, સુરત અને રાજકોટના ત્રંબામાં થઈ હતી. આ તમામ મીટીંગોના અંતે જુદી-જુદી સમિતિઓની રચના થઈ હતી. જોકે નક્કર પરિણામ સુધી ગયા નહોતા.

અનુપમ સ્વામીએ કહ્યું હતું આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે
ગત નવરાત્રિના ત્રીજા નોરતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કર્યો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળના અનુપમ સ્વરૂપ સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં તે કહે છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. શરમ સાવ ગઈ, પહેરવેશના નામે અંગ પ્રદર્શન થઇ રહ્યું છે. વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવી ગયા છે. તો સંત સમાજના જ્યોતિર્નાથ મહારાજે આ નિવેદનને વખોડતા કહ્યું છે હતું કે, સ્વામિનારાયણના સંતો વારંવાર બળાત્કાર કરવા ટેવાયેલા છે.

2023માં હનુમાનજીને સ્વામીને પ્રણામ કરતા દર્શાવ્યા
વર્ષ 2023માં સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા હતા, જેમાં સ્વામિનારાયણ ભગવાનને ઊભા રાખ્યા હતા અને હનુમાનજી તેને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ મૂક્યા હતા. આ શિલ્પમાં સ્વામિનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય એવું ચિત્ર બતાવાતા હિન્દુ સંગઠનો આક્રમક બન્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માંગણી કરી હતી. આ વિવાદ થયા બાદ સનાતની સાધુ-સંતો ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ત્યાર બાદ આ શિલ્પો હટાવી લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top