Sports

રિન્કુ સિંહને થપ્પડ મારતો કુલદીપ યાદવનો વીડિયો વાયરલ થતા વિવાદ, KKRએ ખુલાસો કર્યો

કુલદીપ યાદવ અને રિંકુ સિંહ વચ્ચેના થપ્પડ વિવાદ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ હવે પોતાનું મૌન તોડ્યું છે અને આવી કોઈ ઘટનાનો ઇનકાર કર્યો છે. ખરેખર, મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને કેકેઆર વચ્ચે રમાયેલી મેચ પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કુલદીપે રિંકુને બે વાર થપ્પડ મારી હતી. આ વીડિયો સામે આવ્યા પછી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા કે કુલદીપે રિંકુને શા માટે થપ્પડ મારી.

શું છે આખો મામલો?
વીડિયો જોતાં એવું લાગતું હતું કે કુલદીપે રમતિયાળ રીતે રિંકુના ચહેરા પર બે વાર થપ્પડ મારી હતી, જેનાથી KKR બેટ્સમેન મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. ભારતીય ટીમ માટે સાથે રમતા કુલદીપ અને રિંકુ વચ્ચે સારી મિત્રતા છે અને અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ દરમિયાન બંને ખેલાડીઓ ખુશ દેખાતા હતા.

વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે રિંકુ વાત કરી રહ્યો હતો અને હસતો હતો પરંતુ પછી કુલદીપે કોઈ વાતને લઈને રિંકુને થપ્પડ મારી દીધી. રિંકુ કુલદીપ તરફ આશ્ચર્યથી જુએ છે અને પછી ફરીથી કુલદીપ રિંકુને થપ્પડ મારે છે.

વિવાદ ઉભો થયા પછી KKR એ એક વીડિયો શેર કર્યો જેમાં કુલદીપ અને રિંકુ વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાય છે . વીડિયોમાં બંને ‘LOVE’નું ચિહ્ન બનાવતા અને એકબીજાના ખભા પર હાથ રાખીને ઉભા રહેલા જોવા મળે છે. આ વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે બંને વચ્ચેની મિત્રતા કેટલી ગાઢ છે.

KKR એ દિલ્હીને હરાવ્યું
મેચની વાત કરીએ તો KKR એ દિલ્હીને 14 રને હરાવ્યું અને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી. અંગક્રિશ રઘુવંશીના શાનદાર 44 રનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR એ 20 ઓવરમાં નવ વિકેટે 204 રન બનાવ્યા. જવાબમાં દિલ્હી નિર્ધારિત ઓવરોમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શક્યું અને સતત બીજી મેચ હારી ગયું. દિલ્હીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં ઘરઆંગણે કુલ ચાર મેચ રમી છે. આમાં, તેઓ ત્રણ મેચ હારી ગયા જ્યારે એક સુપર ઓવરમાં જીત્યા.

જ્યારે ઘરઆંગણેથી બહાર અક્ષર પટેલની ટીમે છમાંથી પાંચ મેચ જીતી હતી જ્યારે એકમાં તેમનો પરાજય થયો હતો. મંગળવારે આ જીત સાથે, કોલકાતાએ પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી છે. તેના ખાતામાં નવ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.271 થઈ ગયો છે. તે જ સમયે દિલ્હી 12 પોઈન્ટ અને 0.362ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે.

Most Popular

To Top