સુરતઃ શહેરમાં દુર્ગાપુજા માટે સ્થાપિત માતાજીની મૂર્તિના પંડાલમાં યુવતી દ્વારા અશ્લીલ નગ્ન નાચનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. નવરાત્રિ અને દુર્ગાપુજાની ઉજવણીના હેતુથી શહેરના ભટાર, પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં ભવ્ય આયોજના થયા છે, તે પૈકી એક આયોજનમાં માતાજીની મૂર્તિ સામે જ યુવતીઓ દ્વારા ઠુમકા લગાવવામાં આવી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થયો છે.
હુક્કાબારના સોંગ્સ પર યુવતીઓ ઠુમકા લગાવી રહી હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે, ત્યારે ધાર્મિક તહેવારોમાં માતાજીના ગરબા, ભક્તિ ગીતોના બદલે અશ્લીલ નાચગાન થતું હોવાનું બહાર આવતા વિવાદ સર્જાયો છે.
વાયરલ વીડિયોમાં શહેરના પરપ્રાંતીય વિસ્તારોથી લઈ પોશ વિસ્તાર સુધીના દ્રશ્યો જોવા મળે છે. જેમાં એક તરફ માતાજીની પ્રતિમા સામે અશ્લીલ નૃત્ય કરતા બે વીડિયો છે, જ્યારે એક વીડિયો શહેરના પોશ વિસ્તાર ભટારનો છે. જેમાં તેરા પ્યાર પ્યાર હુક્કા બાર ગીત પર માતાજીની મૂર્તિ સામે યુવતીઓ ડાન્સ કરતી દેખાય છે.
મોટી વાત એ છે કે જાહેરમાં દુર્ગા પંડાલમાં આવા અશ્લીલ નૃત્યો થઈ રહ્યાં હોવા છતાં કોઈ વિરોધ કરી રહ્યું નથી. પોલીસને પણ જાણ નથી કે વીડિયો ક્યાંના છે. એક વીડિયોમાં પાંડેસરાનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ ત્રણેય વીડિયોનું સચોટ સ્થળ જાણી શકાયું નથી.