Editorial

૧૮મી લોકસભામાં શરૂઆતથી જ વિવાદો સર્જાવા માંડ્યા છે

દેશની ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઇ ચુક્યું છે. સોમવારે ૧૮મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રથમ દિવસ હતો જેમાં નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ યોજાઇ હતી. મંત્રી તરીકે જેમની શપથવિધિ અગાઉ રાષ્ટ્રપતિભવનમાં થઇ ચુકી છે તે વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના કેટલાક વરિષ્ઠ સભ્યોની અને અન્ય સાંસદોની શપથવિધિના ટાણે જ ગંભીર વિવાદો ઉભા થયા અને બાદમાં ગૃહના સ્પીકરની ચૂંટણીમાં શાસક અને વિપક્ષ વચ્ચે ગંભીર મતભેદો ઉભા થયા જેને કારણે સ્પીકરપદ માટે ચૂંટણી યોજવા માટેના સંજોગો ઉભા થયા જે સૂચવે છે કે આ ૧૮મી લોકસભામાં શરૂઆત થતાની સાથે જ શાસકો અને વિપક્ષો વચ્ચે ગંભીર વિવાદો ઉભા થવા માંડ્યા છે.

સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં જેમની શપથવિધિ થઇ હતી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના રાજનાથ સિંહ અને અમિત શાહ સહિતના કેટલાક વરિષ્ઠ સભ્યોની શપથવિધિ થઇ હતી. પ્રો-ટેમ સ્પીકર ભર્તુહરી મહેતાબ લોકસભાના સભ્ય તરીકે અને પ્રો-ટેમ સ્પીકર તરીકે રાષ્ટ્રપતિ ભવનમાંથી શપથ લઇને લોકસભામાં આવ્યા હતા અને પછી અન્ય સભ્યોની શપથવિધિ તેમના હસ્તે શરૂ થઇ હતી.

નવી લોકસભાના સભ્ય તરીકે સૌથી પહેલી શપથવિધિ વડાપ્રધાન મોદીની થઇ હતી. શાસક પક્ષના સભ્યોના જય શ્રી રામના નારાઓ વચ્ચે મોદીએ હિંદી ભાષામાં શપથ લીધા હતા. ત્યારબાદ અન્ય વરિષ્ઠ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.  તેમના પહેલા ગૃહના વરિષ્ઠ સભ્યો રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે(બંને ભાજપ)ને નવા ગૃહના સભ્યો તરીકે આરૂઢ કરવામાં આવ્યા હતા. આ બંને સભ્યો પ્રો-ટેમ સ્પીકર ભર્તુહરી મહેતાબને નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ કરાવવામાં અને ગૃહના સંચાલનમાં મદદ કરશે. વિપક્ષી સભ્યો કે. સુરેશ(કોંગ્રેસ), ટી. આર. બાલુ(ડીએમકે) અને સુદીપ બંદોપાધ્યાય(ટીએમસી)ને પણ રાધા મોહન સિંહ અને કુલસ્તેની માફક શપથ લેવા બોલાવાયા હતા, કારણ કે આ સભ્યોની પણ અધ્યક્ષની પેનલના સભ્યો તરીકે નિમણૂક થઇ છે, પરંતુ તેઓ શપથ લેવા આવ્યા ન હતા.

મહેતાબની નિમણૂક પ્રો- ટેમ સ્પીકર તરીકે કરવામાં આવી તેનો કોંગ્રેસ વિરોધ કરે છે, ઇન્ડિયા ગઠબંધન કહે છે કે આઠ ટર્મથી ચૂંટાતા દલિત સભ્ય સુરેશનો અધિકાર પ્રો-ટેમ સ્પીકર બનવાનો હતો. આ વિરોધના ભાગરૂપે આ ત્રણ વિપક્ષી સાંસદો શપથ લેવા આગળ આવ્યા ન હતા. નવી લોકસભા રચાવાની સાથે જ શાસકો અને વિપક્ષોમાં તીવ્ર સંઘર્ષ શરૂ થઇ ગયો છે અને આ સંઘર્ષ આગળ જતાં કેવો વળાંક લે છે તેની અટકળો જ કરવી રહી કારણ કે આ વખતે શાસકો પણ કંઇક ધ્રુજરી ધરા પર છે.

લોકસભાની બેઠક શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર દરેકને સાથે લઇને ચાલવાનો પ્રયાસ કરશે અને એક સર્વસંમતિ ઉભી કરશે. જો કે મોદીએ કટોકટી અંગે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને તેને લોકશાહી પર એક કાળો ડાઘ ગણાવ્યો હતો. લોકોને કામ જોઇએ છે સૂત્રોચ્ચારો નહીં એમ કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે લોકોને એક સારો અને જવાબદાર વિપક્ષ જોઇએ છે અને વધુમાં કહ્યું હતું કે ભૂતકાળમાં વિપક્ષનું વર્તન નિરાશ કરનારું હતું.

વડાપ્રધાન મોદીએ સંસદનું સત્ર શરૂ  થતા પહેલાની ટિપ્પણીમાં કટોકટીને યાદ કરી તેના જવાબમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદીજી તમે વિપક્ષને સલાહ આપો છો અને વર્ષો પહેલાની કટોકટીને યાદ કરો છો પણ દેશમાં દસ વર્ષથી અઘોષિત કટોકટી ચાલી રહી હતી તેને તમે ભૂલી ગયા છો. આ કટોકટીનો લોકોએ અંત આણ્યો છે. લોકોએ તમારી વિરુદ્ધ મત આપ્યો છતાં હજી તમારો અહંકાર ગયો નથી એમ લાગે છે એમ ખડગેએ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું. આ સામસામા હાકોટા આગામી દિવસોના એંધાણ સૂચવે છે.

બીજી બાજુ, સ્પીકરપદ માટે ચૂંટણી યોજવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. ભાગ્યે જ થાય છે તેવી ચૂંટણી માટેનો વિપક્ષનો છેલ્લી ઘડીનો નિર્ણય એના પછી આવ્યો છે જ્યારે ભાજપના નેતાઓ એ પૂર્વશરત સાથે સંમત નહીં થયા હતા કે બિરલાને ટેકો આપવાના બદલામાં નાયબ સ્પીકરનો હોદ્દો ઇન્ડિયા ગઠબંધનને આપવામાં આવે. વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલ તથા ડીએમકેના ટી.આર. બાલુ અને કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા સાથે સંસદમાં રાજનાથ સિંહની કચેરીમાં સર્વસંમતિ ઉભી કરવા માટે ટૂંકી ચર્ચા થઇ હતી પણ તે મતભેદો સાથે પુરી થઇ હતી જેમાં બંને પક્ષો પોત પોતાની સ્થિતિને વળગી રહ્યા હતા.

બંને વિપક્ષી નેતાઓ બેઠક છોડીને જતા રહ્યા હતા, જેમાં વેણુગોપાલે સરકાર પર નાયબ સ્પીકરના પદ માટે વિપક્ષી ઉમેદવાર રાખવાની પરંપરાનું પાલન નહીં કરવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીઓ – ભાજપના પિયુષ ગોયલ અને જેડી(યુ)ના લલન સિંહે વિપક્ષ પર દબાણનું રાજકારણ આચરવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે ડેપ્યુટી સ્પીકરની પસંદગીનો સમય આવે ત્યારે તેમની માગ પર વિચારણા કરાશે એવી વરિષ્ઠ મંત્રીઓની ખાતરી છતાં પૂર્વશરતો મૂકવાનો આક્ષેપ કર્યો હતો. આશા રાખીએ કે આ બધા વિવાદ વહેલા શમી જાય અને લોકસભા સુચારુ ઢબે કામગીરી શરૂ કરી શકે.

Most Popular

To Top