Columns

વિવાદાસ્પદ જસ્ટિસ ગંગોપાધ્યાય હવે સક્રિય રાજકારણમાં જોડાઈ જશે

લોકસભાની ચૂંટણી પહેલાં ભારતમાં ભગવા રંગનું સામ્રાજ્ય જે રીતે ફેલાઈ રહ્યું છે તે જોઈને વિપક્ષી નેતા તેમ જ અભિનેતા ઉપરાંત હાઈ કોર્ટના જજો પણ ભાજપમાં જોડાવા તલપાપડ થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના કેટલાક જજ સાહેબો રિટાયર થઈને ભાજપમાં જોડાય તેની કોઈ નવાઈ નથી; પણ અહીં કોલકાતા હાઈ કોર્ટના સીટિંગ જજ અભિજીત ગંગોપાધ્યાય રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. જસ્ટિસ ગંગોપાધ્યાય રાજ્યમાં શાળા ભરતી કૌભાંડ જેવા સંવેદનશીલ કેસની સુનાવણીમાં સામેલ હતા. જસ્ટિસ ગંગોપાધ્યાયે હાઈ કોર્ટના જજ તરીકે શાસક તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધમાં ચુકાદાઓ આપીને વિવાદો પેદા કર્યા હતા. હવે તેઓ રાજકારણમાં જોડાઈ રહ્યા છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસે તેમના તમામ વિવાદાસ્પદ ચુકાદાઓ રદ કરવાની માગણી કરી છે.

જસ્ટિસ ગંગોપાધ્યાય ઓગસ્ટ ૨૦૨૪માં ન્યાયિક સેવાઓમાંથી નિવૃત્ત થવાના હતા. હાલમાં તેઓ મજૂર બાબતો અને ઔદ્યોગિક સંબંધો સંબંધિત કેસોની સુનાવણી કરી રહ્યા છે. પોતાના નિર્ણયની જાહેરાત કરતાં તેમણે કથિત ભ્રષ્ટાચારના આરોપોને લઈને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘‘રાજ્ય ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં ચોરી અને લૂંટફાટનું રાજ ચાલે છે. બંગાળી હોવાના નાતે હું આ સ્વીકારી શકતો નથી. મને નથી લાગતું કે રાજ્યના શાસકો લોકો માટે કોઈ સારું કામ કરી શકે.’’જસ્ટિસ ગંગોપાધ્યાય ગુરુવારે ભાજપમાં જોડાઈ શકે છે અને ભાજપ તેમને તમલુક બેઠક માટે લોકસભાની ટિકિટ આપી શકે છે.

અભિજીત ગંગોપાધ્યાયનો જન્મ ૧૯૬૨માં કોલકાતામાં થયો હતો. ગંગોપાધ્યાયે કોલકાતાની બંગાળી માધ્યમની શાળા મિત્ર સંસ્થામાં અભ્યાસ કર્યો હતો. ગંગોપાધ્યાયના પિતા બંગાળના પ્રખ્યાત વકીલ હતા. ગંગોપાધ્યાયે હાઝરા લો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. કૉલેજમાં અભ્યાસ કરતી વખતે, તેમને થિયેટરમાં રસ પડ્યો હતો અને તેઓ બંગાળી થિયેટર સાથે જોડાઈ ગયા હતા. તેઓ અમિતા ચંદાના સભ્ય બન્યા અને ઘણાં નાટકોમાં અભિનય કર્યો હતો.

જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળ સિવિલ સર્વિસ (WBCS) માં A-ગ્રેડના અધિકારી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ઉત્તર દિનાજપુરમાં પોસ્ટેડ હતા, પરંતુ તેમણે થોડા દિવસો પછી નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ તેમણે કોલકાતા હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ૨ મે, ૨૦૧૮ના રોજ હાઈકોર્ટમાં વધારાના જજ તરીકે જોડાયા હતા અને ૩૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ કાયમી જજ બન્યા હતા. ઓગસ્ટ ૨૦૨૨માં શિક્ષક ભરતી કૌભાંડના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય અને હાઈ કોર્ટના વકીલોના એક વર્ગ વચ્ચે દલીલો થઈ હતી. આ ચર્ચા એટલી વધી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જસ્ટિસ ગંગોપાધ્યાયે કોર્ટ રૂમમાં પત્રકારોને સુનાવણી રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ ગંગોપાધ્યાયે કોર્ટ રૂમમાંથી એક વકીલની ધરપકડ પણ કરી હતી. ત્યાર પછી તેમની અને વકીલોના એક વર્ગ વચ્ચે દિવસો સુધી ઝઘડો ચાલ્યો હતો.

જસ્ટિસ ગંગોપાધ્યાય ૨૦૨૨ માં પશ્ચિમ બંગાળમાં કથિત શાળા નોકરી કૌભાંડ અંગેના તેમના નિર્દેશો માટે પ્રખ્યાત છે. તેમણે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને શિક્ષણ અને નિયુક્તિની ભરતી પ્રક્રિયાઓમાં ગેરરીતિઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે શાળાનાં શિક્ષકોની લગભગ ૩૨,૦૦૦ નિમણૂકો રદ કરી હતી. જે રીતે તેમણે કૌભાંડના આરોપોનો પીછો કર્યો હતો તેને કારણે સમાજમાં શિક્ષકની નોકરી માગી રહેલા વર્ગની નજરમાં તેમને ક્રુસેડર બનાવ્યા હતા. તેમણે રાજ્યમાં શાસક પક્ષના કેટલાક નેતાઓ વિરુદ્ધ ખુલ્લેઆમ ટિપ્પણી કરી હતી, જેના કારણે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસને તેમના પર ગુસ્સો આવ્યો હતો.

શિક્ષક ભરતી કૌભાંડની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગંગોપાધ્યાયના નામની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેમણે પાર્થ ચેટર્જીથી લઈને મમતા બેનરજી સરકાર સુધી તમામને નિશાન બનાવ્યાં હતાં. તાજેતરમાં તેઓ MBBS ભરતીમાં નકલી પ્રમાણપત્ર કેસની તપાસ માટે CBIને આદેશ આપીને પણ ચર્ચામાં આવ્યા હતા. આ કેસમાં તો કોલકાતા હાઈ કોર્ટમાં જસ્ટિસ વિરુદ્ધ જસ્ટિસનો માહોલ ઊભો થયો હતો. ગયા વર્ષે ૨૦ સપ્ટેમ્બરે તેમણે એક ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ટીએમસી સરકાર અને મમતા બેનરજી બંનેની ખૂબ ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે અભિષેક બેનરજીને ન્યાયતંત્રના એક વર્ગની ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવવા માટે જેલમાં જવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ટી.વી.ના ઇન્ટરવ્યુ પછી વિવાદ થશે, પરંતુ તે જે પણ કહી રહ્યા હતા તે ન્યાયિક આચારના બેંગલુરુ પ્રિન્સિપલને અનુરૂપ હતું. તેમણે ટી.વી.ને જે ઇન્ટરવ્યુ આપ્યો હતો તેનો વિવાદ તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચી ગયો હતો.

ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતે પછી જસ્ટિસ ગંગોપાધ્યાયે ઇન્ટરવ્યુ આપ્યો હતો કે કેમ તે અંગે કલકત્તા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. તેનો હકારમાં જવાબ મળતાં સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જસ્ટિસ ગંગોપાધ્યાય પાસેથી કેસ અન્ય કોઈ બેન્ચમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ આદેશના થોડાક જ કલાકોમાં જસ્ટિસ ગંગોપાધ્યાયે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સુઓ મોટો સંજ્ઞાન લઈને એક આદેશ આપ્યો હતો, જેમાં તેમણે સુપ્રીમ કોર્ટના મહાસચિવને આપેલી માહિતીને ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો કે બંગાળી મીડિયાને ઇન્ટરવ્યુમાં સુપ્રીમ કોર્ટ ને સુપરત કરાયેલો અહેવાલ અને તેનો સત્તાવાર અનુવાદ રજૂ કરો. આ સુઓ મોટો આદેશ પછી સુપ્રીમ કોર્ટને તેના પર સ્ટે મૂકવા માટે મોડી સાંજે વિશેષ સુનાવણી કરવાની ફરજ પડી હતી. જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે એમ પણ કહ્યું હતું કે જસ્ટિસ ગંગોપાધ્યાય દ્વારા આવો આદેશ આપવો ન્યાયિક શિસ્તની વિરુદ્ધમાં છે.

ભારતમાં ન્યાયતંત્રનો ઈતિહાસ એવાં ઉદાહરણોથી ભરેલો છે, જ્યારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અથવા બંધારણીય અદાલતોમાં ન્યાયાધીશો હોય તેવાં લોકોએ તેમના જીવનના સંધ્યાકાળમાં રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું અને ઘણા સફળ પણ થયા હતા. જસ્ટિસ વી.આર. કૃષ્ણા અય્યર વર્ષ ૧૯૬૮માં કેરળ હાઈકોર્ટના જજ બન્યા હતા. ન્યાયાધીશ બનતાં પહેલાં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે મદ્રાસ અને પછી કેરળ વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા. તેઓ ૧૯૬૫ સુધી સક્રિય રાજકારણી હતા. ૧૯૬૮માં જ્યારે તેઓ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા ત્યારે માત્ર પાંચ વર્ષમાં જ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બની ગયા હતા. અય્યરે ૧૯૮૭માં સંયુક્ત વિપક્ષો વતી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો.

આ યાદીમાં બીજું નોંધપાત્ર નામ ઉમેરાયું છે તે છે જસ્ટિસ કે.એસ. હેગડેનું. તેઓ ૧૯૩૫માં કોંગ્રેસમાં જોડાયા હતા. હેગડે ૧૯૫૨માં બે વર્ષ માટે અને ૧૯૫૪માં રાજ્યસભાની ચૂંટણીમાં ૬ વર્ષ માટે સાંસદ તરીકે ચૂંટાયા હતા. મૈસુર હાઈકોર્ટમાં જજ બનવા માટે તેમણે ઓગસ્ટ ૧૯૫૭માં રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. દસ વર્ષ પછી તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા, પરંતુ તેમણે ૧૯૭૩માં રાજીનામું આપી દીધું હતું.  જસ્ટિસ હેગડે ૧૯૭૭માં જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને બેંગલુરુ ઉત્તર મતવિસ્તારમાંથી જીત્યા હતા. જુલાઈ ૧૯૭૭માં તેઓ લોકસભાના સ્પીકર બન્યા હતા. જનતા પાર્ટીમાં વિભાજન થયા પછી તેઓ ભાજપમાં જોડાયા હતા  અને ૧૯૮૦-૮૬ દરમિયાન તેના ઉપાધ્યક્ષ રહ્યા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top