બાંધકામ કાર્યમાં શ્રમજીવી પરિવારનો ફાળો અતિ મહત્ત્વનો હોય છે. એમના પરિશ્રમ વિના બાંધકામ-ચણતર શક્ય જ નથી. અન્ય પ્રદેશમાંથી આવતાં હોવાથી પરિવાર સહિત જે તે શહેરમાં એમણે વસવાટ કરવો જ પડે છે. એમની સાથે એમનાં નાનાં સંતાનો પણ કાર્યસ્થળે આવતાં હોય છે. જે સિમેન્ટ રેતી-કપચી-ધૂળ વિ.માં રમતાં જણાય છે. ક્યારેક વસ્ત્રનાં પણ ઠેકાણાં હોતાં નથી. પણ સદાય સ્મિત સાથે રેતી-કપચીમાં રમતાં ખુશ હોય છે. પ્રશ્ન એ થાય કે શું એમનાં સંતાનોને ઈન્ફેકશન નહીં લાગતું હોય? એ બાળકો ત્યાં પણ ખુશ થઈને રમતાં હશે અને એમની રોગપ્રતિકારકશક્તિ વધુ હશે.
એ જ પ્રમાણે ડોર ટુ ડોર કચરાગાડી થકી કચરો લેવા આવનાર કર્મચારીને પણ ઈન્ફેક્શન નહીં લાગતું હોય એ વિચાર આવે. કચરાગાડી પસાર થાય ત્યારે ભયંકર દુર્ગંધ આવતી હોય છે તો એ કર્મચારીઓ કેવી રીતે સહન કરતાં હશે? ભલે શ્રમજીવી વર્ગ કે કચરાગાડીના કર્મચારીને વેતન મળતું હશે પણ માનવતાની દૃષ્ટિએ વિચારીએ તો એમની તકલીફનો ખ્યાલ આવે. આપણી સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરાગાડીનાં કર્મચારીઓનું યોગદાન અતિ મહત્ત્વનું કહેવાય. શ્રમજીવી વર્ગ વિના બંગલા, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ બિલ્ડીંગ કે અન્ય ઈમારતો બનાવી શક્યાં જ નથી. એમના પરિશ્રમને અવશ્ય બિરદાવી શકાય. જરાક ધ્યાનચૂક થાય તો એમનાં સંતાનોની જિંદગી જોખમમાં મૂકાઈ શકે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.